Posted by: vmbhonde | ऑगस्ट 25, 2010

સ્વામી નારાયણ સંપ્રદાય- BAPS

સ્વામી નારાયણ સંપ્રદાય- BAPS

 સ્વામી નારાયણ સંપ્રદાય એ એક ભકિત સંપ્રદાય છે જે સહજાનંદ સ્વામીએ  ૩૧.૧૨.૧૮૦૧ ના રોજ સ્થાપન કર્યો હતો. તેઓ વૈષ્ણવ પરંપરામાં માને છે અને હિન્દુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ દર્શાવે છે. ધર્મ,જ્ઞાન અને વૈરાગ્ય થકી ભકિતભાવ પ્રગટ થાય છે અને એજ વ્યકિતને મુકિતસુધી દોરી જાય છે. પૂર્ણ સમર્પણ અને ભકિત આ ગુણો ઉપર આધારિત સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીશ્રી  ૨.૪.૧૭૮૧ ના રોજ અયોધ્યાની નજીક છપૈયા ખાતે જન્મ્યા હતા. સાતમા વરસે બધા શાસ્ત્રોમાં પારંગત થઈ  ૧૧ માં વરસે એમણે ગૃહત્યાગ કર્યો. ત્યાર પછી ૭ વરસ ભારતભ્રમણ કરી આપણા સમાજ જીવનનો અભ્યાસ કર્યો. જીવનના છેલ્લા ૩૦ વરસ એમણે ગુજરાતને કર્મભૂમિ બનાવી હતી. તેઓએ ગઢડા ખાતે ૧.૬.૧૮૩૦ ના રોજ મહાસમાધી લીધી હતી. તેઓનો ઉપદેશ વચનામૃત તરીકે પ્રસિદ્ધ છે. પોતાના ફકત ૪૯ વરસના જીવન દરમ્યાન તેઓએ ઘણાબધા સામાજીક સુધાર ના કાર્યક્રમો હાથ ધર્યા. એમણે અંધશ્રદ્ધાનો હંમેશા વિરોધ કર્યો. વ્યસનમુકિત આંદોલન ચલાવ્યુ. ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકો માટે સેવા કાર્યો શરૂ કર્યા. તેઓએ વ્યકિતગત નૈતિકતા અને અધ્યાત્મિક ચારિત્ર્યનો પ્રચાર-પ્રસાર  કર્યો. એમના પછી એમનું કામ પૂર્ણ સમર્પણ ભાવથી એમના અનુયાયીઓ જેવા કે ગુણાતીતાનંદજી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી અને યોગીજી મહારાજે આગળ ધપાવ્યુ. આજે આપણા સદ્ભાગ્યે પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ  સંપૂર્ણ જવાબદારીસાથે સેવા ભાવથી પૂરા વિશ્વ્વભરમાં સ્વામી નારાયણ સંપ્રદાયમાં માનનાર ભકતોને- સાધકોને માર્ગદર્શન આપી રહયા છે.  સમાજને પ્રેરણારૂપ  થાય એવા  કેટલાય ભવ્ય મંદિરોનું નિર્માણ એમણે કર્યુ છે જેમા ગાંધીનગર, દિલ્હી,લંડન જેવા સ્થાપત્યકલાના શિરમોર મંદિરોનો સમાવેશ છે. આજે વિશ્વ્વભરમાં ૭૦૦ મંદિરો અને ૩૩૦૦ થી વધારે કેન્દ્રો ચાલી રહયા છે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યક્રમોની સાથે સ્વામીનારાયણ સંપ્રદાય બીજા અનેક સેવા કાર્યો ચલાવે છે જેથી સમાજોદ્ધારનું કામ જલ્દીથી પુરૂ થાય. એમના કેટલાક પ્રકલ્પો વિશેની ટુંકાણમાં માહિતી નીચે મુજબ છે.
૧) નૈતિક  અને સાંસ્કૃતિક ઃ સમાજને શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પ્રેરણા આપવી. જેમાં ગુન્હાઓ, વ્યસનો અને આવેગો થી મુકત સમાજ રચના થાય એ માટેના પ્રયત્નો.
૨) આરોગ્ય સેવા ઃ આશરે ૪૮૩૬૦૦ દર્દીઓને દરવર્ષે અલગ અલગ દવાખાનાઓમાં સેવાઓ આપવામાં આવે છે. પ્રમુખ સ્વામી હોસ્પિટલ સુરત તેમજ જુદી જુદી જગ્યાએ નાના દવાખાનાઓ (જેવાકે હિમ્મતનગર, જામનગર, સેલવાસા, દાદર-મુંબઇ, મહેસાણા, સુરત, ભાવનગર, સારંગપુર, વિદ્યાનગર વગેરે ઠેકાણે) ચલાવાય છે. જીંથરી, બોટાદ, કેશોદ, વડોદરા, વિદ્યાનગર, કેન્સર અને કિડની સેન્ટર અમદાવાદ જેવા ઘણાં બધા દવાખાનાઓમાં હજારો રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. વાડીલાલ હોસ્પિટલ, અમદાવાદ અને સિવિલ હોસ્પિટલ, તેમજ ગોરજ મુની આશ્રમ, વાઘોડીયા, વડોદરામાં પણ બે ઇન્ફન્ટ વેન્ટીલેટર, એન્ડોસ્કોપી મશીન, ડાયાલીસિસ મશીન વિગેરે આપેલ છે. વનવાસી ક્ષેત્રમાં મોબાઇલ વ્હઁન દ્વારા ખેડબ્રહ્મા, પાવીજેતપુર, ધરમપુર, રાજપીપળા, ડાંગ, વાસદા, દેવગઢ બારીયા વિગેરે ઠેકાણે ગયા ૧૦ વર્ષની અંદર ૨૮ લાખથી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવેલ છે. ૧૯૮૧ થી માંડી આજ સુધી અલગ અલગ ઠેકાણે ૩૭ દિવસ, પ૦ દિવસ એવા રકતદાન શિબિરો અમદાવાદ, ગાંધીનગર, મુંબઇ, વલસાડ, ભાવનગર, ચેન્નઇ વિગેરે સ્થળે આયોજીત કરી લાખો શીશી લોહી ભેગુ કરવામાં આવેલ છે.
૩) શૈક્ષણિક ક્ષેત્ર ઃ દરવર્ષેે ૬૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ બી.એ.પી.એસ.ના ૨૯ શૈક્ષણિક સંસ્થાઓમાંથી શિક્ષણ પ્રાપ્ત કરે છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓ આવેલ છે, જે કરમસદ, સારંગપુર, અટલાદરા, વડોદરા, નાગપુર વિગેરે ઠેકાણે ચાલે છે. ધારી, નાયકા, અમદાવાદ, અટલાદરા, પાવીજેતપુર, નૈનપુર, નડીયાદ વિગેરે ઠેકાણે શાળાઓ તેમજ કરમસદ, કડી, વિદ્યાનગર, અમદાવાદ આદિ જગ્યાએ કોલેજીસ ચલાવવામાં આવે છે. અક્ષર પુરૂષોત્તમ છાત્રાલય જે અટલાદરા, કરમસદ, રાયસન, વલસાડ, સારંગપુર, ગોંડલ, સુરત, ધૂળે વિગેરે ઠેકાણે છે ત્યાં ૪૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. ૧ થી ૧૨ ધોરણના આશરે ૫૦૦૦ વિદ્યાર્થીઓને દરવર્ષે છાત્રવૃત્તિ આપવામાં આવે છે. તે સિવાય ભારતભરમાં અને યુકે, અમેરીકા, આફ્રિકા જેવા દુનિયાના બીજા દેશોમાં પણ બુકબેંક અને લાયબ્રેરીના પ્રકલ્પો ચાલતા હોય છે.
૪) પર્યાવરણ ઃ એક વ્યકિંત એક વૃક્ષ આ આંદોલનમાં બે હજારથી વધારે ગામડાઓમાં ૧૨ લાખ થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કલકત્તા ચેન્નઇ, રાજકોટ, વડોદરા,સુરત જેવા ઘણા શહેરોમાંથી ૮૮ હજાર કિલો પેપર ભેગો કરી પુનનિર્માણ માટે આપવામાં આવ્યો. રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ જેવા જિલ્લાઓમાં ૫૦૦૦ થી વધારે કુવાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું. નૈનપુર, બોચાસણ, સારંગપુર, ગઢડા, ગોંડલ વિગેરે જગ્યાએ બાયોગેસ પ્લાન્ટ નાંખવામાં આવ્યા છે. ૧૨ ઠેકાણે સૂર્યઉર્જા પ્રકલ્પો ચાલી રહ્યા છે. તેવીજ રીતે ઘણા સ્થળોએ ટપક પદ્ધતિથી પાણી ખેતરોમાં આપવાના કાર્યક્રમો હાથ ધર્યા છે.
૫) સંકટ સમયની સહાયતા ઃ ૧૯૯૩નો લાતુરનો ધરતીકંપ- જેમાં ૧.૬૦ લાખ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા અને ૨૮૦ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ૨૦૦૧ ના ગુજરાતના ધરતીકંપ વખતે પણ ૮.૭૮ લાખ ફૂડપેકેટ આપ્યા હતા. ૨૪૫ ઘરોનું નિર્માણ થયું. ૪૦૯ ગામડાઓને મદત આપવામાં આવી. દુધાળા ઢોરોનું વિતરણ થયું. દવાખાનામાં ૯૨ હજાર દર્દીઓને સેવાઓ આપી હતી. ભૂકંપ પછી ૧૧ રસોડામાં લાખો લોકોને જમાવાનું પિરસવામાં આવ્યું હતું. ૨૦૦૪નું સુનામી હોય કે ૨૦૦૫ નું કેટરીના નામનું અમેરીકાનું વાવાઝોડું હોય સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વયંસેવકો સમાજને મદતરૂપ થવા માટે તયાર હોય છે.
૬) સ્ત્રી જાગૃતિ ઃ સંપ્રદાયના ૧૦ હજારથી વધારે સ્વયંસેવકો સ્ત્રીઓમાં જાગૃતિ લાવવા માટે આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે સેવાઓ આપે છે તેમજ દહેજ વિરોધી આંદોલન પણ ચલાવે છે.
નૈતિક અને અધ્યાત્મિક ઉન્નતિ ઉપરાંત સમાજસેવાનું લક્ષ લઇ કાર્ય કરનાર સ્વામીનારાયણ સંપ્રદાય અને તેમને દોરવણી આપનાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ ને શતશઃ પ્રણામ અને એમના દિર્ધાયુ માટે હાર્દિક પ્રાર્થના.
વિલાસ ભોંડે  ૧૬-૦૬-૨૦૧૦


प्रतिसाद

  1. This is a very good article and gives excellent information as to the services that are provided by the BAPS.

  2. શ્રી ભોંડે સાહેબ

    ખુબ સારો લેખ છે આનન્દ થયો

    રાજુ


यावर आपले मत नोंदवा

प्रवर्ग