Posted by: vmbhonde | मार्च 26, 2013

સમજણ

માલતીબહેન બહુ ઓછાંબોલા અને શાંત સ્વભાવનાં હતાં. કજિયાનું મોં કાળું એમ માનીને ચાલનારા. જરૂર પડયે અન્યાય પણ સહન કરી લે, પરંતુ ઝઘડો થાય એ કદી સહન ન કરી શકે. એમની વહુ એકતા એમનાથી સાવ જ ઊલટા સ્વભાવની. આમ તો લગ્ન પહેલાંથી જ તેને સ્વતંત્ર રહેવાના સપનાં હતાં, પરંતુ આર્થિક કારણોસર એ શક્ય ન બન્યું. જુદું ઘર લઈને રહેવાથી પોતાને જ પૈસાની ખેંચ પડવાની. આવું મોટું ઘર લઈ શકે એવી પતિની આવક નહોતી. અહીં તો સસરાના પૈસા ઘરમાં આવતાં હતાં એટલે કોઈ પ્રશ્ન નહોતો આવતો. જુદાં રહેવા જાય તો પોતે પણ ઘર ભાડે રાખવું પડે અને એટલો બધો ખર્ચો પતિની આવકમાંથી શક્ય નહોતો એની તેને જાણ હતી. એટલે સાસુ-સસરાની સાથે રહેવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો.
પણ આ અસંતોષ બીજી ઘણી રીતે અવારનવાર તેના વર્તનમાં દેખા દેતો રહેતો, પરંતુ માલતીબહેનના શાંત સ્વભાવને લીધે ખાસ વાંધો નહોતો આવતો. ક્યારેક સાસુના આવા સારા સ્વભાવના લીધે એકતાને પસ્તાવો પણ થતો અને બે-ચાર દિવસ પોતે શાંત રહેવાના પ્રયત્નો પણ કરતી, પણ એ બહુ લાંબું ન ચાલતું. ઘરની મોટાભાગની બધી જવાબદારી માલતીબહેન પર જહતી. તેમને તબિયતનો ખાસ કોઈ પ્રોબ્લેમ નહોતો. તેથી વિચારતાં કે થાય ત્યાં સુધી કરવામાં શું વાંધો. આમ પણ બેઠાં બેઠાં તો તબિયત વધારે બગડે. એટલે વહુની રાહ જોયા સિવાય જ શક્ય તે બધાં કામ કરતાં રહેતાં.
હમણાં માલતીબહેનની દીકરી હીનલ સાસરેથી આવી હતી. તેના ઘરમાં તેનાં સાસુ બહુ જબરાં હતાં અને પતિ પણ મા કહે એટલું જ પાણી પીતો હતો. નાની નાની વાતમાં હીનલ ઉપર કચકચ ચાલુ રહેતી. તેથી કંટાળીને હીનલ પિયર આવી હતી. હવે એ લોકો સુધરે નહીં ત્યાં સુધી હું પાછી જવાની નથી. દીકરીની એ વાત સાંભળી ત્યારે તો માલતીબહેન કશું ન બોલ્યાં. પુત્રીનો ગુસ્સો- આવેશ શાંત થાય ત્યાં સુધી રાહ જોવી જરૂરી હતી.
બે-ચાર દિવસ પછી માલતીબહેન દીકરી સાથે બેઠાં હતાં. હીનલ કહે, મમ્મી તુંયે ખરી છે. ઘરમાં વહુ તું છે કે ભાભી એની મને તો ખબર જ નથી પડતી.

એમાં ખબર પાડવા જેવું શું છે ?

કેમ ભાભી સૂતાં હોય ને તું રસોડામાં કામ કરતી હોય છે.
તો એમાં કંઈ હું ઘસાઈ નથી જતી. શરીર પાસેથી તો જેટલું કામ લેવાય એટલું વધારે સારું. કસરત કરવા જવાની જરૂર જ ન રહે. એકતાના આવ્યા પહેલાં હું નહોતી કરતી ? તું તો મન થાય ત્યારે કરાવતી હતી. તું તો એકતા જેટલું પણ નહોતી કરાવતી. ભૂલી ગઈ ? માલતીબહેન હસતાં હસતાં બોલ્યાં.
કાશ મારાં સાસુ પણ તારી જેમ વિચારી શકતાં હોત તો ? હીનલે કહ્યું.
બેટા, તારાં સાસુ ભલે તારી જેમ ન વિચારી શકે, પણ તું તો મારી જેમ વિચારી જ શકે ને ? એમનો સ્વભાવ આપણે ન બદલી શકીએ, પણ આપણો સ્વભાવ તો આપણે બદલી શકીએ ને ? બીજાને સુધારવા કરતાં જાતને સુધારીએ તો બેટા ઘણાં પ્રશ્નો ઓછાં થઈ જાય.
અને બેટા એક વાત કહું ? ગમે તેવું તો યે હવે એ ઘર તારું જ કહેવાય. સાથે રહેતાં બે વાસણો ખખડે પણ ખરાં… સ્વભાવ તો બધાના જુદાં હોવાના જ. પણ એમ નાની નાની વાતમાં ઘર છોડીને ભાગી ન નીકળાય બેટા. ત્યાં તારો હક્ક છે અને અહીં તારી ભાભીનો. આપણા સમાજના આ રિવાજને આપણે અનુસરવું જ રહ્યું. અહીં ક્યારેક તારું સ્વમાન નહીં સચવાય. ભાભી તને કશુંક બોલી બેસશે ત્યારે તને બહુ આકરું લાગશે. બેટા, જે માએ દીકરાને વરસો સુધી જીવની જેમ જાળવ્યો છે એ દીકરો માનું રાખે એને સ્વાભાવિક ગણવાનો પ્રયત્ન કરીશ. તારી જોવાની દૃષ્ટિ બદલીશ તો એ જ વાત તું બીજી રીતે પણ મૂલવી શકીશ. ભાઈ મારું રાખે એ મને સારું લાગે કે નહીં? અને એકવાર પતિનો વિશ્વાસ જીતી શકીશ, એને તારી પર શ્રદ્ધા આવી જશે તો એની જાતે એ બદલાશે.
 પણ મમ્મી, તું તો વહુનું કેવું ધ્યાન રાખે છે ?
બેટા, મેં પહેલાં જ કહ્યું ને ? કે દરેકનો સ્વભાવ સરખો નથી હોતો. હું મારા સ્વભાવ પ્રમાણે કરું. વહુ એના સ્વભાવ મુજબ, એને લીધે મારે ખરાબ બનવું એવું કોણે કહ્યું ? ક્યારેક એને એની ભૂલ સમજાશે જ અને ન પણ સમજાય તો મારું શરીર ચાલે છે ત્યાં સુધી મને કોઈ વાંધો નથી. પછી નહીં થાય ત્યારે એને કર્યે જ છૂટકો થશે ને ? એના સિવાય બીજું કોણ કરવા આવવાનું ?
અને હા, ખબરદાર છે, મારી વહુની વાત કરી છે તો હોં ? જેવી છે એવી મારી વહુ છે. માલતીબહેને હસતાં હસતાં પુત્રીને કહ્યું.
હીનલ માની વાત સાંભળી રહી. આમ પણ હવે તેનું મન શાંત થયું હતું. તેથી તે શાંતિથી માની વાત વિચારી શકી. પછી તો માતા અને પુત્રી વચ્ચે ઘણી ચર્ચા થઈ. હીનલે પોતાના પ્રશ્નો કહ્યા અને માએ તેને પ્રેમથી સમજાવીને દરેક વાતના તટસ્થ જવાબ આપ્યા.
હીનલને થયું કે ફક્ત સાસુની જ ભૂલ નહોતી, પોતે પણ ભૂલ તો કરી જ હતી. માની વાત પર એને શ્રદ્ધા હતી. મા પોતાના ભલા માટે જ કહે ને ?
મમ્મી, મને લાગે છે કે, તારી વાત સાચી છે. હું પણ તારી જેમ વિચારતા શીખીશ અને કાલે જ મારે ઘરે પાછી જઈશ. એવા કોઈ મોટા પ્રશ્નો તો નથી જ મારા ઘરમાં.
શાબાશ બેટા… હવે મારી દીકરી જેવી વાત કરી ને ? મને મારી દીકરીનું ગૌરવ છે. એકતા ક્યારની મા દીકરીની વાત છુપાઈને સાંભળતી હતી. તેને તો એમ જ હતું કે મા-દીકરી ભેગા મળીને પોતાની જ વાતો કરતાં હશે. એને બદલે એને તો સાવ જુદી જ વાતો સાંભળવા અને સમજવા મળી.
એકતાને સાસુ માટે પહેલીવાર દિલથી માન થયું. પોતે આવા સારા સાસુને અન્યાય કરે છે. પોતે સારી વહુ નથી બની શકી એનો અહેસાસ થયો. સાસુએ આજ સુધી ક્યારેય પોતાને કોઈ વાત માટે ટોકી નથી. એ વાત સમજાઈ. સાસુએ પોતાને કદી કશું કહ્યું નથી અને દીકરીને પણ સાચી વાત કેવી સરસ રીતે સમજાવી દીધી. કાશ પોતાની મમ્મીએ પણ તેને આ રીતે સમજાવી હોત તો ?એકતાની દૃષ્ટિ બદલાઈ. માલતીબહેનને તો ખબર સુદ્ધાં ન પડી.
બીજે દિવસે સવારે માલતીબહેન રસોડામાં ગયાં ત્યાં એકતા હાજર હતી.
મમ્મી, તમે રોજ સેવાપૂજા મોડી મોડી કરો છો… આજથી તમે તમારી પૂજા નિરાંતે પહેલાં કરી લેજો. અહીં હું છું જ.
માલતીબહેન વહુની સામે જોઈ રહ્યાં. વહુના ચહેરા પર સમજણનું સ્મિત ફરકી રહ્યું હતું. સાસુ-વહુ વચ્ચે લાગણીની લીલેરી કૂંપળ ફૂટવાની શરૂઆત થઈ ચૂકી હતી.
સંબંધોનો સેતુ રચાવાની નાનકડી શરૂઆત થઈ શકી હતી અને ભવિષ્યમાં ધીમે ધીમે એ સેતુ મજબૂત થવાનો જ એવી આશા અસ્થાને ન જ કહેવાય ને?

shah_pramod@hotmail.com      27-6-2012
Advertisements

Responses

  1. very good.

  2. I like this kind of stories..loved it.


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: