Posted by: vmbhonde | नोव्हेंबर 13, 2011

પિયરગત પત્નીને પત્ર

પિયરગત પત્નીને પત્ર
 
પ્રિય ,
તું પિયર ગઈ એ વાતને આજે આઠ દિવસ ચૌદ કલાક અને અઢાર મિનીટ થઇ. તો પણ કેમ હજુ મને એવું લાગે છે કે તું જાણે કાલે જ ગઈ હોય ? સાચે જ હું માની શકતો નથી કે, તું નથી, ક્યાંય નથી આસપાસ. ને છતાંય કેમ આટલો ફફડેલો રહું છું ? તને ખબર છે, તું ગઈ એનાં બીજા દિવસે જ ઓફિસમાં બધાં પાર્ટી માંગતા હતાં પણ મેં તો ચોખ્ખું કહી દીધું આઈ લવ સુજાતા, અને એ તો ખાલી ચાર વીક માટે ગઈ છે, એટલામાં થોડી પાર્ટી હોય ? તું જ કહે. પણ મારા ઓફિસ બડીઝ એમ છોડે? કહે રાહુલની વાઈફ એક વીક માટે ગઈ હતી તો પણ એણે મોટ્ટી પાર્ટી આપી હતી તો તમારા વાઈફ તો મહિના માટે ગયા છે. મેં બહુ કોશિશ કરી પણ બધાં એ મને પીઝા પાર્ટીના ખર્ચામાં તો ઉતાર્યો જ.
તને શું કહું ઓ મારી માઝમ રાતની સ્ટારલી. રાત રાત ભર મને તારી યાદ સતાવે છે. તારી યાદમાં હું એવો ખોવાઈ જાઉં છું કે કદીક ભીંત પર આમથી તેમ ફરતી ગરોળીને અનિમેષ નયને જોયા કરું છું. બારીની બહાર પાન લીલું જોઉં તો પેલા પત્તાની ભાત વાળા ગ્રીન ડ્રેસ માટે થયેલો ઝગડો યાદ આવે છે, અને એ પછી હું અજાણે જ ગાલ પંપાળી લઉં છું. ક્યાંક ડાળ પર કાબર બોલે તો તું યાદ આવે છે, એટલે એનાં કર્કશ અવાજનાં કારણે નહિ, પણ તને પક્ષીઓ બહુ ગમે છે ને એટલે. ને સવારે જ્યારે પાણી ભરવા માટલી મુકું અને માટલી છલકાઈ જાય તો પણ તું જ યાદ આવે છે, કેમ પાણીના બગાડ પર તે મને કેટલા લેક્ચર આપ્યા છે નહિ? અને સવારે જ્યારે દાઢી કરતાં લોહી નીકળે તો, એક વાર તું ભાખરી શેકતી હતી ત્યારે મને તવેથો વાગ્યો અને દાઢી પરથી લોહી નીકળ્યું’તુ એ પ્રસંગ યાદ આવે છે. સાચું કહું ડિયર, તારા ગયા પછી બે રાત સુધી તો મને ઊંઘ જ નહોતી આવી, પણ પછી યાદ આવ્યું એટલે બામની શીશી પથારીની બાજુમાં ખુલ્લી મુકીને સુઈ ગયો,તે પછી છેક ઊંઘ આવી !
પણ જ્યારથી તું ગઈ છે, ત્યારથી જાણે મારી તો દુનિયા જ ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. અને ઘરની ચીજવસ્તુઓ પણ મને કંપની આપવા ખોવાઈ જાય છે. જોને તું ગઈ તે દિવસથી રીમોટ નથી મળતો. આ સિવાય કબાટની ચાવીઓ, ગેસનું લાઈટર, ઈલેક્ટ્રીસિટી બિલ, મારો નાઈટ ડ્રેસ, મોજા અને તારા પપ્પાએ આપેલી એકમાત્ર ભેટ એવી પેન પણ ખોવાઈ ગઈ છે. લાઈટર ના મળ્યું એટલે દીવાસળીની પેટી શોધી તો એ પણ ખોવાઈ ગઈ. પહેલા તો ગેસ સળગાવવાની તકલીફ હતી, એમાં હવે કાન સાફ કરવાની તકલીફનો ઉમેરો થયો છે. પણ તને તો ખબર છે ને કે મારી ઓફિસનો સ્ટાફ કેટલો કોઓપરેટીવ છે ? અરે, એટલો કોઓપરેટીવ કે એ લોકોની આખી કોઓપરેટીવ સોસાયટી ઉભી થઇ શકે એમ છે ! એમાં આ જડતું નથી વાળી વાત મેં ઓફિસમાં કરી તો અમારી રીસેપ્શનીસ્ટ રૂપાલી તો તરત જ શોધવામાં મદદ કરવા ઘરે આવવા મેક અપ કરીને તૈયાર થઇ ગઈ, પણ તું ચિંતા ન કરીશ મેં એને જાતે જ ના પાડી દીધી, એ તારી જાણ અને રેકોર્ડ સારું.
ડિયર તને વિશ્વાસ નહિ થાય પણ તારા ગયા પછી તેં આપેલા ટાઈમટેબલ પ્રમાણે અક્ષરસઃ જીવું છું. સવારે સાડા છ વાગ્યે એલાર્મ વાગે એટલે ઉઠી જાઉં છું, જોકે પછી દસ મિનીટ પછી ફરી પાછો સુઈ જાઉં છું. કેમ ? તેં તો ખાલી સાડા છ એ ઉઠી જવાનું કહેલું ને ? તારી એ પછીની સૂચના પ્રમાણે પાછો સાડા સાતે ઉઠી દૂધ ગરમ કરવા લાગુ છું. પણ બ્રશ કરવાના સમય અને દુધ ઉકળવાના સમય વચ્ચેનું નાજુક સંતુલન મોટે ભાગે ખોરવાઈ જવાથી દૂધ પ્લેટફોર્મ પર ઉભરાઈ જાય છે. જાપાનમાં ધરતીકંપ થાય તો સુનામિ ભારતના કિનારા પર ક્યારે ત્રાટકશે તેની ચેતવણી આપણને ગણતરીના સમયમાં મળી જાય છે, પરંતુ આ દુધના ઉભરાવા વિષે ચેતવણી આપતું કોઈ યંત્ર બજારમાં મળતું નથી. અરે, મેં ગુગલ પર સર્ચ કરીને પણ જોયું. આ ઘણી અફસોસની વાત છે. પણ છોડ એ બધું, દૂધ રોજ ઉભરાઈ જાય છે, પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવો નહિ, એ વાત જીવનમાં ઉતારી હું અન્ય કામમાં પ્રવૃત્ત થાઉં છું. યાર, કેટલા કામ હોય છે ઘરમાં !
આમ તો એ વાતથી મને ઘણી તકલીફ પડે છે, પણ જેમ તેમ ફવડાવી દીધું છે. હા, કામવાળીની વાત કરું છું. એ તો તારી સૂચના મુજબ તારા ગયા પછી આવતી નથી. પણ તને એ જાણીને આનંદ થશે કે તેં નોટમાં લખેલી બધી સુચના પહેલા દિવસે જ ત્રણ વાર વાંચી ગયો ’તો, અને એમાં લખ્યા મુજબ ઘરમાં કચરો ન થાય એ માટે ખારી સીંગ અને પડવાળી ખારી બિસ્કીટ બધી ફેંકી દીધી છે. ચાનો કપ છાપા ઉપર જ મુકું છું એટલે ટેબલ પર કુંડાળા ન પડે, અને હા, ચા ના કુચા તારી સૂચના મુજબ પ્લાસ્ટીકની કોથળીમાં ભેગા કરું છું એટલે સિંક ભરાઈ ના જાય. મારા માટે કેટલું બધું વિચારે છે તું નહિ ? અને ડિયર, તને ઓફિસનું કામ ઘરે લાવું એની નફરત હતી ને ? એ કારણથી જ આજકાલ ઓફિસનું કામ ઘેર નથી લાવતો, અને ઓફિસમાં જ થોડું વધારે રોકાઈને પૂરું કરવા પ્રયત્ન કરું છું,આમેય ઓફિસમાં બધાને આજકાલ રોકાવું પડે એટલું કામ હોય છે. અને હા તને કાયમ સવાલ થતો ને કે સાંજે કારમાંથી ઉતર્યા પછી ઘરમાં આવતા મને વાર કેમ થાય છે ? હવે નથી થતી, કારણ કે મારે મોબાઈલનું રીસન્ટ કોલ લીસ્ટ ને એસ.એમ.એસ. ડીલીટ કરવા નથી પડતાં.
ડિયર તે કપડા જાતે ધોવાની કેમ ના પાડી હતી તે મને ગઈકાલે ઓફિસથી પાછો આવ્યો પછી સમજાયું. વોશિંગ મશીનમાં કપડા ધોવામાં કઈ ધાડ મારવાની નથી, એવું હું અત્યાર સુધી દ્રઢપણે માનતો હતો. સવારે બધાં કપડા વોશિંગ મશીનમાં નાખી મેં મશીન ચાલુ કર્યું. ત્યાં એટલામાં પેલા રાહુલનો ફોન આવ્યો, પછી બોસનો આવ્યો, એટલામાં કચરો લેવાવાળો વાળો આવ્યો, એટલામાં લેન્ડ લાઈન પર નીમુ માસીનો ફોન આવ્યો, પછી તો એટલો કંટાળો આવ્યો કે ન પૂછો વાત. બસ એમ જ ઓફિસ નીકળી ગયો, સાંજે પાછો આવ્યો ત્યારે ઘરમાંથી કઈક ઘરરરર ઘરરરર અવાજ આવતો હતો,એ વોશિંગ મશીનનો જ હતો. યેસ, યુ ગેસ્ડ રાઈટ. કપડા ગોળ ગોળ ફરીને ગૂંચળું થઇ ગયા હતાં.

MAHESH DESAI” <mahesh_1949@yahoo.co.in    23-8-2011

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: