Posted by: vmbhonde | नोव्हेंबर 13, 2011

ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહી પણ—–

આત્મિય સ્વજનો
 
ગુજરાત ના પરિચય માટે 
ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહી પણ 
ઘણા બધા ઋષિઓ માટે જરુરથી વાંચશો
આભાર 
મહેન્દ્ર ભાવસાર 
ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં પણ…!……………
ઔપચારિક રીતે સંસારત્યાગ કરી સાધુ નહીં બનનારા, પરંતુ ગામડે બેસી પ્રજાની સેવા કરવા માટે ભેખ લેનારા કોડીબંધ લોકોથી ગુજરાત ધન્ય થયું છે. આવી રીતે ગામમાં સંસ્થા સ્થાપી, આસન જમાવી બેસનારા લોકોને હું ઋષિ કહું છું અને તેમની સંસ્થાઓને આશ્રમ કહું છું. આજે આવા કેટલાક ઋષિઓનો પરિચય આપવા ઇચ્છું છું.
 
૧. નર્મદા જિલ્લાના રાજપીપળા મથકથી ૧૫-૧૭ કિ.મી. દૂર નર્મદા નદીના તટે એસોસિયેશન ફોર રૂરલ કમ્યુનિટી હેલ્થ (આર્ય) અને જે. પી. સ્થાપિત યુવા-છાત્ર સંઘર્ષવાહિની (વાહિની) બંને એકત્ર મળીને બનેલી આર્ય-વાહિની સંસ્થા વસેલી છે. પ્રવેશતાં જ જાણે કોઇ આશ્રમમાં પ્રવેશતા હો તેવી અનુભૂતિ થાય. અંદર જાઓ એટલે એક હસતો ચહેરો જોવા મળે. ડૉ. અનિલ પટેલનો. સમુદાય સ્વાસ્થ્યના નિષ્ણાત ડૉ. અનિલ પટેલને હું મહર્ષિ કહું છું. આદિવાસીઓની સેવામાં જીવન આપી દેનાર આ આધુનિક ઋષિનાં પત્ની ડૉ. દક્ષાબહેન પટેલ છેલ્લાં સાત-આઠ વર્ષથી માંગરોળ છોડીને ધરમપુરમાં આદિવાસીઓની સેવા કરવા ગયાં છે. ડૉ. પટેલના સાથીદારો-અંબરીષ, રાજેશ અને તૃપ્તિબહેનને નર્મદાના વિસ્થાપિત આદિવાસીઓ સુપેરે ઓળખે છે.
 
૨.આર્ય-વાહિનીના આશ્રમની લગોલગ બીજો આશ્રમ છે પ્રયાસ. મહેન્દ્ર ભટ્ટ નામના ઇજનેર અહીં ધૂણી ધખાવીને બેઠા છે અને આમ આદમીની જરૂરો માટેની ટેક્નોલોજીના વિકાસના તથા અન્ય કામોમાં છેલ્લાં ૩૫ વર્ષોથી તપ તપી રહ્યા છે. જો અનિલ પટેલની પ્રેરણા જે. પી. છે તો મહેન્દ્રભાઇની પ્રેરણા વિનોબા છે.
 
૩. અંકલેશ્વરથી રાજપીપળા જતાં ઝઘડિયા આવે. ઝઘડિયાના રસ્તે પસાર થાવ એટલે સેવા રૂરલની સુવાસ આવવા લાગે. ડૉ. અનિલ દેસાઇ અને ડૉ. લતા દેસાઇ અમેરિકાની લખલૂટ કમાણીવાળી તબીબી પ્રેક્ટિસ છોડી ગુજરાતના ગ્રામીણ-આદિવાસી ગરીબોના સ્વાસ્થ્યની રક્ષા કરવા માટે અહીં સ્થાયી થયાં. સેવા રૂરલ આશ્રમમાં વિવેકાનંદના વિચારો અને આદર્શોની અસર જણાય છે.
૪. રાજકોટમાં કોઇને પણ સિસ્ટર નિવેદિતા સ્કૂલ વિશે પૂછો એટલે સામે પૂછશે, ‘જાનીભાઇને?’ ગુલાબરાય જાનીએ કોલેજનું આચાર્યપદ અને તેમનાં પત્ની ઉષાબહેન જાનીએ કોલેજનું પ્રાધ્યાપકપદ બાળકોની સેવા માટે છોડ્યાં. સિસ્ટર નિવેદિતા સ્કૂલ સ્થાપી. તેમાં પણ સંતોષ ન થતાં આજુબાજુનાં ગામડાનાં, નિશાળે ન જઇ શકતાં બાળકો માટે મોબાઇલ સ્કૂલ સ્થાપી.
૫. જામનગરના એક નાના ખૂણામાં દવાખાનું છે ડૉ. પ્રફુલ્લ દવેનું. બહારથી બીજા કોઇ પણ નાના તબીબના ક્લિનિક જેવું જ લાગે. પ્રફુલ્લભાઇ દર્દીઓની દવા કરતા તબીબથી ઘણું વિશેષ કામ કરે છે. વિમલાતાઇ ઠકાર પ્રેરિત ‘ગુજરાત બિરાદરી’નું જે જૂથ ગુજરાતમાં વિકાસનો માનવીય અને આધ્યાત્મિક ચહેરો જોવા માટે ઊભું થયું તેના એક મોભી પ્રફુલ્લભાઇ.
 
૬. લિજ્જત પાપડને બધા જાણે છે, પરંતુ તેના મૂળમાં રહેલ વાલોડની ઉદ્યોગવાડીને બહુ ઓછા લોકો આજે જાણે છે. જુગતરામ દવે એટલે વેડછીનો વડલો. આ વડલાની વડવાઇઓ એટલે અલ્લુભાઇ, ભીખુભાઇ, બાબુભાઇ, પ્રફુલ્લ ત્રિવેદી, કોકિલાબહેન, અશોક ચૌધરી વગેરે ગણી શકાય. અલ્લુભાઇ બધામાં મોટા. તેમની આસપાસ આ જૂથ વિકસ્યું, વિસ્તર્યું અને ધીમે ધીમે વિખેરાવા પણ લાગ્યું. તેમાંથી કોકિલાબહેન અને અશોક ચૌધરી આજે અલગ અલગ રીતે સક્રિય છે. કોકીલાબહેન ધરમપુરના ડુંગરાળ વિસ્તારોમાં શિક્ષણનું કામ કરે છે, જ્યારે કુશળ ઇજનેર એવા અશોક ચૌધરી આદિવાસી જાગૃતિનું કામ કરે છે. સંચાલકીય ક્ષમતા ધરાવતા બાબુભાઇના અવસાનથી વાલોડની ઉદ્યોગવાડીનું કામ થોડું પાછું પડ્યું છે. તેમ છતાં આજે પણ ઉદ્યોગવાડીનું નામ આજુબાજુના વિસ્તારોમાં આદરથી લેવાય છે.
 
૭. સુરતથી બારડોલીના રસ્તે, બારડોલીના પાદરે, હળપતિ સેવા સંઘની વાડી દેખાય. દક્ષિણ ગુજરાતના હળપતિ અથવા દૂબળા આદિજાતિ એટલે જમીન વિહોણા ખેતમજૂરો. તેમનું શોષણ અનાવિલ, પારસી, વહોરા અને વાણિયા જમીનદારોએ કરેલું. આવા અનાવીલ જમીનદાર કુટુંબના નબીરા અરવિંદ દેસાઇને શું ધૂન ચડી કે તેમણે હળપતિ સેવા સંઘની સ્થાપના, જુગતરામ દવેની પ્રેરણા હેઠળ કરી અને આદિવાસીઓનાં વિકાસકાર્યોમાં જીવન સમર્પી દીધું.
 
૮. નસવાડી (વડોદરા જિ.)ના ડુંગરનાં ગામોમાં ડુંગરી ભીલો વસે. (આ પણ ગુજરાત છે, દોસ્તો!) શાળા નહીં, પાકા રસ્તા નહીં, પાકાં મકાનો નહીં, વીજળી નહીં તેવાં અનેક ગામો. આ ગામોમાં શાળાઓ અને ઉત્પાદન કેન્દ્ર સ્થાપી ભેખડિયાના રતન ભગત અને તેમના મિત્રો કામ કરે. (જે આદિવાસી દારૂ-માંસ ત્યજી ‘ડાયો’ બની જાય તે ભગત કહેવાય. ભેખડિયાના રતન ભગતના કેન્દ્રની મુલાકાતે જાઓ તો આદિવાસી મહિલાઓની મહેનતથી બનેલા મસાલા જરૂર ખરીદજો.
 
૯. સુરત એટલે હીરા અને કૃત્રિમ રેસાની ચકાચોંધવાળું મોજીલું શહેર. આ શહેરની મધ્યમાં ચૌટાપુલ પાસે મીનુ પરબિયા નામના પારસી વસે છે. પારસી મીઠાબોલા ખરા, પણ આમપ્રજાને ઉપયોગી ઓછા. ડૉ. મીનોચર (મીનુ) પરબિયા આમાં અપવાદ છે. આયુર્વેદની અને પ્રકૃતિચિકિત્સાની અનેક અવૈજ્ઞાનિક માન્યતાઓને હસતાં હસતાં નકારી કાઢે છે. છતાં પોતાના વૈજ્ઞાનિક જ્ઞાનનો લાભ લોકોના સ્વાસ્થ્ય માટે આપતા રહ્યા છે.
 
 
૧૦. હિંમતનગરથી શામળાજી જતાં રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠ ટ્રસ્ટનું મથક છે. આને કુષ્ઠયજ્ઞ આશ્રમ કહી શકાય. આ સંસ્થાના ઋષિ સુરેશ સોની અને તેમનાં પત્ની ઇન્દિરાબહેને કુષ્ઠરોગીઓની સેવામાં જીવન સમપ્ર્યું છે, જાણે પરચુરે શાસ્ત્રી નવો અવતાર ધરીને આવ્યા છે.
 
૧૧. ભાવનગર-રાજકોટ રોડ પર સણોસરા ગામે નાનાભાઇ, મૂળશંકરભાઇ અને મનુભાઇની મહેનતના પરિપાકરૂપ સંસ્થા લોકભારતી આવી છે. ગોસંવર્ધન, સંકર ઘઉં અને જલસંવર્ધનનાં કામોનો અંદાજ લગાવીએ તો આ સંસ્થાની સેવાનું મૂલ્ય કરોડોમાં થાય. મનુભાઇની પ્રેરણાથી ડૉ. અરુણ દવે આ સંસ્થામાં જોડાયા. ભૌતિકશાસ્ત્રમાં એ જમાનામાં પીએચ.ડી. થયેલા ડૉ. અરુણ દવે ઇસરો જેવી સંસ્થામાં જોડાયા હોત તો આજે અબ્દુલ કલામ કે ડૉ. મશેલકરની હરોળમાં બેઠા હોત, પરંતુ આ ઋષિએ ગ્રામસેવા પસંદ કરી. ગ્રામીણ ગુજરાતમાં વિજ્ઞાન અને પાયાની કેળવણીનાં કામમાં પડેલા ડૉ. અરુણ દવેનું હું સહેજે બ્રહ્નર્ષિ તરીકે સંબોધું.
 
૧૨. મહેસાણા જિલ્લાનું પેઢામલી ગામ જરૂર ચુંબકીય તાકાત ધરાવતું હોવું જોઇએ. તેણે ઘણા લોકસેવકોને ખેંચ્યા છે. તેમાંના એક છે સંજય-તુલા. નારાયણ દેસાઇની શિબિરમાંથી પ્રેરણા લઈને અનેક પ્રવૃત્તિમાં ખૂંપેલા સંજયે છેલ્લાં કેટલાંક વર્ષોથી વિલિયમ બાપુ, મદની સાહેબ વગેરેની સાથે રહીને ગુજરાતમાં સદ્ભાવના ફેલાવવાનું મહાભગીરથ કામ ઉપાડ્યું છે. સંસ્થા વિશ્વગ્રામ એક સુંદર બાલાશ્રમ છે.
 
આવા એક ડઝન ઋષિઓ અને તેમનાં તીર્થધામો વાસ્તવિક ગુજરાતની ઓળખ છે. ગુજરાત એટલે અદાણી અને અંબાણી જ નહીં. સાચો ગુજરાતી વૈષ્ણવજન છે. આવા તો અનેક ઋષિઓ અને આશ્રમો ગુજરાતમાં છે. હવે જ્યારે મનમાં ધર્મભાવના પ્રબળ બને ત્યારે આવા એકાદ આશ્રમની મુલાકાત લેજો અને આવા એકાદ ઋષિને મળજો.
 
 
 
 

“yogesh kumar choudhary” <yashshree3@rediffmail.com  20-9-2011


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: