Posted by: vmbhonde | ऑगस्ट 2, 2011

માલમપુઝા એક અનુભવ

 

માલમપુઝા  એક અનુભવ

 મુંબઇ થી રવિવાર તા. ૨૨-૫-૨૦૧૧ના રોજ બપોરે ૩.૪૫ કલાકે કન્યાકુમારી એકસપ્રેસમાં નિકળી તા. ૨૩ ને રાત્રે ૧.૩૦ વાગે પાલ્લકાડ (પાલઘાટ, કેરળ) રેલ્વે સ્ટેશન ઉપર ઉતરી વિશ્રાંતીગૃહમાં રોકાયા. સવારે ૫.૩૦ કલાકે જોરદાર વરસાદે અમારૂં સ્વાગત કયુર્ં. છકડા જેવી મોટી રીક્ષામાં અમે વડોદરાના ચાર અભ્યાસીઓ શ્રીરામચંદ્ર મિશનના માલમપુઝા રીટ્રીટ સેન્ટરમાં સવારે ૭.૦૦ વાગે પહોંચ્યા. રીક્ષાભાડું રૂા. ૨૦૦.૦૦ થયું. સેન્ટરની અંદર પ્રવેશતાંજ દરબાને પ્રવેશનોંધ કરી રહેવાની ઇમારત પાસે મોકલ્યા. ત્યાં કુલ ૨૪ રૂમ છે, જેમાં એક રૂમમાં ૦૩ જણ રહી શકે. બધા માટે પલંગ, ઓઢવા પાથરવાનું, ટેબલ ખુરશી, કચરાપેટી, ઝાડુ વિગેરે બધુ આપવામાં આવે છે જેથી આપણું રહેઠાણ સુખમય રહે. બહાર મોટો વરંડો છે. અને બંન્ને ખૂણામાં ત્રણ-ત્રણ કોમન સંડાસ બાથરૂમ અને વાઁશબેસીન છે. પરીસરની જગ્યા ખૂબ મોટી મોકળાશવાળી છે. ઇમારતની બરાબર પાછળ વૃક્ષોથી ઢંકાયેલ મોટા ડુંગરો છે. આજુબાજુમાં સરસ મજાનું ગીચ જંગલ જેમાં છે મોટા મોટા વૃક્ષો જેવા કે નારીયેળ, સોપારી, ફણસ, કેરી, જામફળ, લીમડો અને બીજા ઘણાં બધા જેના નામો આપણે જાણતા નથી. નાના ફૂલઝાડમાં પણ ગુલાબ, મોગરો, કનેર, જાસુદ, તગર, ચંપો, પારીજાતક અને સાથે શોભા માટેના લાલપીળા તેમજ અનેક રંગોના નાના-નાના રોપા પણ ઉગાડેલા છે. ઘણાં બધા વેલાઓ મોટા મોટા ઝાડોને વિંટાળીને બેઠા છે. એક નાનું તળાવ જેમાં સુંદર મજાના કમળ ખિલેલા આપણે જોઇ શકીએ છીએ. એમ કહેવાય છે કે આપણા સેન્ટરની બહાર જંગલમાં ઘણીવાર હાથી, હરણ, મોર વિગેરે પ્રાણીઓ જોવા મળે છે. સાપ, વિંછી અને બીજા જીવજંતુની કોઇ જ નવાઇ નથી. રોજ સવારે ૯.૦૦ વાગ્યા સુધી પાછળના ડુંગરો પર સરસ મજાના કાળા સફેદ વાદળા દેખાતા હતા. કુદરતે અહીયા પોતાનીજાતને મનમુકીને વરસાવી છે.
 રહેઠાણની નજીક એક નાનું ધ્યાનકક્ષ અને તેની પાછળ પુસ્તકાલય છે. જયાં અભ્યાસીઓ વાંચન લેખન કરી શકે છે. ધ્યાનકક્ષ સવારે ૬ થી ૧૦ અને સાંજે ૪ થી ૬ ખુલ્લો હોય છે. જયાં અભ્યાસીઓ ગમે ત્યારે જઇ ધ્યાન કરી શકે છે. વાંચનાલયમાં અત્યારે તો ફકત આપણાં મિશનના પુસ્તકો છે. ધ્યાનકક્ષની સામે ગુરૂજીની કુટીર છે જેની પાછળ એક નવું અતિથિગૃહ છે, જેનું ઉદ્ધાટન ૧૬-૫-૨૦૧૧ ના રોજ ગુરૂજીએ કયુર્ં હતું. ધ્યાનકક્ષની બાજુમાં સતત વહેતું ઝરણું છે. નિસર્ગનું આ સંગીત સાંભળી ધ્યાનમાં બેઠા પછી આપણે બીજાજ વિશ્વ્વમાં હોઇએ એવો અનુભવ થાય છે. દિવસ દરમ્યાન રંગબેરંગી પક્ષીઓના જુદા જુદા કલરવ, કોયલનો ટહુકો, અલગ પ્રકારની સીસોટીઓ અને રાત્રે રાતકીડાની કીર-કીર. નિસર્ગના સંગીત સિવાય બીજો કોઇ અવાજ નહી. આંખની દ્રષ્ટી, કાનની શ્રવણ શકિત અને નાકની સુગંધની શકિત એ ત્રણે ને સંતોષ મળે એવું નૈસર્ગિક ભવ્ય દિવ્ય પવિત્ર વાતાવરણ અમે રોજ માંણતા હતા. સાથે સાથે માલિકે આપેલ આત્માનો ખુરાક તો ખરોજ.
 સવારે પોતાનુ ધ્યાન કર્યા પછી છ વાગ્યાની આસપાસ જયારે સુર્યોદય ન થયેલ હોય ત્યારે એવું શાંત, નિઃશબ્દ અને નિસ્તબ્ધ વાતાવરણ અનુભવ્યું કે જે શબ્દોમાં વર્ણન કરી શકાય નહી. શીતલ પવનની હલકી લહેર અને આપણે એક ઝાડની નીચે આંખો મીચીને બેઠા હોઇએ આ અનુભવ કરવા જેવો ખરો. સાંજે પણ કેટલાંય વાર એવું લાગે કે આ નિરવ શાંતીમાં નિસર્ગનું ધ્યાન ભંગ ન કરીએ. ખરેખર મૌન એ જ ઇશ્વ્વરની ભાષા છે અને એ અનુભવવા માલમપુઝા જવુજ જોઇએ. નિરવ શાંતી, પવન પણ થંભી ગયો હોય એવી, સાંજે ૭.૩૦ કલાકે ભોજનનો ઘંટારવ આપણને ફરી પાછા આપણા દૈનંદિન જીવનમાં લાવતો હતો.
 અમે લગભગ ૩૦-૩૨ પુરૂષ અભ્યાસીઓ હતા. હું ત્રણવાર ધ્યાન કરતો અને લગભગ પાંચેક કલાક વાંચનમાં મન પરોવતો. કેટલીકવાર ધ્યાનના અનુભવો અદ્વિતીય હતા. સપનામાં-ધ્યાનમાં માલિક (ગુરૂજી) હાજરી પુરાવતા હતા. રહેવા-ખાવાની વ્યવસ્થા ઘણીજ સારી હતી. ત્યાંના વ્યવસ્થાપકોનો પ્રેમમય વ્યવહાર પણ ભાવતો હતો. વાંચનમાં મેં “વહ અદ્ભૂત હૈ” અને “યાદોં કી ગલીયોં મેં” આ બંન્ને પુસ્તકોના ભાગ ૧-૨ પૂર્ણ કર્યા. ખૂબજ સરસ હૃદયના ઊંડાણ સુધી પહોંચે એવું વાંચન હતું. ગુરૂજીનું જીવન, એમના વિચારો, નાના નાના પ્રસંગોમાંથી આપણને શીખવા મળે એવા જીવન નિર્દેશ વાંચી મન ભાવવિભોર થતુ હતું. કેટલાંક પ્રસંગો એટલા હૃદયસ્પર્શી હતા કે મન ભરી આવતું હતું, ગળે ડુમો બાઝી જતો હતો. ખરેખર આ ઉંમરે પણ અણથક રીતે ગુરૂજી આપણા માટે કેટલુ બધુ કરે છે અને અમે આપણી સાંસારીક પ્રવૃત્તિઓમાંથી બહાર નિકળવાનું નામ નથી લેતા. માલિકે કોઇક અભ્યાસીને કહ્યું છે, અહી આવી સતત ધ્યાન ન કરો પણ મૌન પાળો, વાંચન- લેખન કરો, પોતાની સાથે બોલવાની ટેવ પાડો, પોતાના વિષે વિચાર કરો. આત્મનિરીક્ષણ કરવા માટેની આ ખાસ જગ્યા છે. હું શું હતો ?, કેવો હતો ?, આજે કેવો છું ?, મારામાં હજી શું ખુંટે છે ?, મને કયા સુધારા કરવા જોઇએ ? આ બધા વિશે મનોમંથન કરો. મેં તો એક સરસ મજાની સુધારણા માટેની યાદી બનાવી છે. મને તો ખાત્રી છે, માલિકની કૃપાથી હું મારા સ્વભાવમાં અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકીશ. માલિક કહે છે , કુદરતના ખોળે જવાથી ઇશ્વ્વર પ્રાપ્તી વહેલા થાય છે. અહિંયા આપણે બીજી દુનિયામાં હોઇએ એવુ સતત લાગતુ હતું. ટીવી, છાપુ, ફોન કાંઇજ નહી. બહારના જગત સાથે નો આપણો સંબંધ કપાઇ ગયો હોય, સમય થોભી ગયો હોય, તારીખ વારનું ગણિત મટી ગયું હોય એવું અનુભવાતુ હતું. સેન્ટરના મેનેજર કહેતા હતા કે” માલિકે અહીનું વાતાવરણ એવું ચાર્જ કર્યું છે કે બધાને એની અનુભૂતિ થાય અને માલિકની ઉપસ્થિતિ જણાય.” જોત જોતામાં આઠ દિવસ પુરા થઇ ગયા અને અમારી અનિચ્છાએ ત્યાંથી વિદાય લેવી પડી.
 ખરેખર મારા જીવનનો આ એક અવિસ્મરણિય અનુભવ હતો. જેના માટે ગુરૂજીના જેટલા આભાર માની શકાય તેટલા ઓછા છે.
વિલાસ ભોંડે  ૧૦-૦૬-૨૦૧૧

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: