Posted by: vmbhonde | ऑगस्ट 2, 2011

પ. પુ. ડોંગરે મહારાજ

પ. પુ. ડોંગરે મહારાજ

 રામચંદ્ર કેશવ ડોંગરે આ નામથી પ.પુ. ડોંગરે મહારાજનો જન્મ અહિલ્યાબાઇ હોળકરની પુણ્ય નગરી ઈંદોરમાં તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ માતા કમલાતાઈના કુખે થયો. તેઓના પિતાશ્રી સ્વયં વેદશાસ્ત્રના પંડીત હતા. એટલે તેઓજ એમના પ્રથમ ગુરૂ અને માર્ગદર્શક થયા. આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી ન હતી. એટલે શિક્ષણમાં વ્યત્યય ન આવે એ હેતુથી રામચંદ્રને પંઢરપુર ખાતે ભગવાન શાસ્ત્રી ધારુરકર ની ત્યાં ભણવા માટે મોકલવામાં આવ્યા. એમની હોશિયારી ખંત અને અભ્યાસ પ્રત્યેની લાગણી જોઇ તેઓને તે પછી વારાણસીમાં વેદ, પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઇત્યાદી શાસ્ત્રાભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યા. જ્ઞાન નગરી વારાણસીમાં પવિત્ર ગંગા તટે કરેલ શાસ્ત્રાભ્યાસના સમયેજ મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. આમ છતા માતાના આગ્રહથી ખંભાતના શાલીનીબાઇ સાથે વિવાહ કર્યો. ૧૯૮૦માં પત્નીનું અવસાન થયું.
 વારાણસીનું અધ્યયન પૂર્ણ થતા પરમવૈષ્ણવ શ્રી નરહરી મહારાજના સાન્નિધ્યમાં રહી શ્રીમત્ ભાગવતનું કથામૃત પાન કરાવવાની દિક્ષા-પ્રેરણા મેળવી એમને ગુરૂ તરીકે સ્વીકાર્યા. ૧૯૪૮માં લક્ષ્મણ મહારાજનો મઠ, જંબુબેટ, વડોદરામાં પ્રથમ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. શ્રી કૃષ્ણ કથાનું નિવેદન હૃદયસ્પર્શી, વિદવત્તાપૂર્ણ તથા લોક ભોગ્ય શૈલીમાં કયુર્ં. સરળ ભાષામાં થતી હોવાના કારણે તેમની કથા જનસમુદાયને બહોળા પ્રમાણમાં આકર્ષી શકી. પુરા ભારતદેશમાં ૧૧૦૦ જેટલી ભાગવત કથાઓ કરી છતા કથામાંથી પ્રાપ્ત ધનને એમણે પોતાના માટે કદી સ્વીકાર્યુ નહી. આ ભંડોળમાંથી ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, મંદિરોનો જીર્ણોધ્ધાર, અન્નક્ષેત્ર, અનાથાશ્રમ તથા અન્ય સંસ્થાઓને એ રકમ સહાયતારૂપે આપી દિધી. ભાગવત અને રામાયણ આમ બંને વિષયોપર એમના કથા સત્ર યોજાતા. ૧૫-૨-૧૯૮૦ ના રોજ પુરીના શ્રીમદ્ શંકરાચાર્ય દ્વારા “ભાગવત કાનન પંચાનન” નામની ઉપાધીથી એમને નવાજવામાં આવ્યા. વારાણસીના સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ્વવિદ્યાલય દ્વારા મહામહોપાધ્યાયની પદવી પણ એનાયત થઇ, જે કુલપતીશ્રી વેંકટાચલમ તેમજ ગુજરાત – સરદારપટેલ – ઉત્તરગુજરાત યુનિવર્સિટીના કુલપતીઓ તથા અન્ય સંતો તથા વિદવાનોની વચ્ચે આ પદવી ગ્રહણ કરી. ડોંગરેજી મહારાજે આંટીઘુટીવાળી ધાર્મિક વિધી, ઉપાસના પદ્ધતિ, યોગ ની વાત કરી નથી. તેમણેતો સાકારની પુજાનો અને ભગવન નામનો મહિમા લોક સમુદાય સામે રજુ કર્યો છે. તેઓ પોતે સાદગીયુકત જીવન જીવ્યા, પોતાની પાસે આવતા સૌ સનાતન ધર્મમાં પ્રિતી રાખનાર થાય, ગુણવાન બને, વ્યસનરહીત બને, ભોગપરાયણ જીવનને ત્યાગે એનો ઉપદેશ આપતા. કથા એ આનંદ કે મનોરંજન માટે નથી, કથા શ્રવણ પછી ભાવિક એ વાતો પર વિચાર કરે, જીવન સુધારે, પોતાની ત્રુટીઓ દુર કરે એમ તેઓ કહેતા. આપણા શ્રેષ્ઠ ભારતદેશ તરફ પ્રેમ થાય આપણા ૠષિમુનીઓ, શાસ્ત્રોમાં વિશ્વ્વાસ જાગે, માનવ પૂણ્ય કર્મ કરે એ તરફ એમનો ઝોક હતો.પોતે કોઇના ગુરૂ થયા નહી, સદા ઇશ્વ્વરને ગુરૂ કરવા કહેતા.
પોતાના નામની, પોતાના ફોટાની પ્રસિદ્ધી થવા દેતા નહી. અનેક પરોપકારના કાર્યો, ધનરાશીનું દાન કરવા છતાં કયાંક પોતાનું નામ આવવા દેતા નહી. દાન, સખાવત, ટ્રસ્ટ એનું કોઇ માળખુ કે સંકલન એમણે કયુર્ં નથી.  બધુ કાર્ય પરમાત્માને આગળ રાખી પરમાત્મા કરાવે છે એ ભાવનાથી તેમણે કયુર્ં. તેઓએ પોતાના જીવનમાં ઇચ્છાઓ ઉઠવાજ ન દિધી. કોઇ સ્પૃહા રાખીજ નહી. દેહ, પત્ની, પરિવાર ની આસકિત સુદ્ધા રાખી નહી. જીવનભર સપ્તાહ નિમિત્તે, તીર્થયાત્રા નિમિત્તે ભ્રમણ કરતા રહેલા આ મહાપુરૂષે પોતાનું કાયમી સરનામું પણ રાખ્યું નહી કે કોઇને આપ્યું નહી. કોઇની સાથે પત્ર વ્યવહાર કર્યો નહી. પત્ર વાંચન, અખબાર વાંચનથી તેઓ દુર રહ્યા. વ્યકિતગત વખાણથી પણ તેઓ દૂર ભાગતા. વખાણવા યોગ્ય ભગવાન છે એમ તેઓ કહેતા. બહોળો શિષ્ય સમુદાય વિગેરે બધી અનુકૂળતા છતા પોતાનુ કાર્ય જાતે કરી લેતા. પોતાની અન્ય કોઇ સેવા કરે એ એમને ગમતુ નહી. સીવ્યા વગરના બે વસ્ત્રો થી વધુ વસ્ત્ર નહી, સંગ્રહ નહી. કંચન, કામીનીથી તેઓ જીવનભર દૂર રહ્યા. શરૂઆતમાં તેઓ ફકત ગુજરાતીમાં જ પ્રવચન કરતા પણ પછીથી તેઓએ હિન્દીમાં પણ ભાગવત – રામાયણ સપ્તાહ કરવાનું શરૂ કયુર્ં. ભારતભરમાં મુંબઇ, પુણે, નાગપુર, અમદાવાદ, વડોદરા, બંગલોર, ચેન્નઇ, કલકત્તા, દિલ્લી, આગ્રા, મથુરા, વારાણસી, હરીદ્વાર વિગેરે ન ગણાય એટલા ઠેકાણે એમના કાર્યક્રમો થયા છે.
પુણેનું પ્રસિદ્ધ પુણા હોસ્પિટલ તેઓનાજ પ્રેરણાથી ઉભુ થયુ. એમની પ્રેરણાથીજ લાખો રૂપિયાનું દાન હોસ્પિટલને મળ્યું. પુણા હોસ્પિટલના પ્રમુખ શ્રી લોહીયા કહે છે કે મહારાજશ્રી સવારે ચાર વાગે ઉઠી જતા અને રોજ ૧૫૦ સૂર્યનમસ્કાર કરતા હતા. પછી ઘણોબધો સમય એમની પૂજાઅર્ચા ચાલે. મહિનામાં ૨૦ દિવસ એમના અપવાસજ હોય. મહારાજ પોતે ઘનને અડકતા નહી. બધાજ પૈસા ગોપાળકૃષ્ણના છે એમ કહેતા અને સત્કાર્ય કરવા દાન આપી દેતા. ભારતભરમાં એમણે સ્થાપેલ ૫૦ થી વધારે અન્નક્ષેત્ર આજે પણ  ચાલુ છે. પુણા નું અષ્ટવિનાયક ટ્રસ્ટ એ એનુ મોટુ ઉદાહરણ છે. મહારાષ્ટ્રના પૈઠણ ખાતે પણ એમની પ્રેરણાથી એક મોટુ મફત આયુર્વેદિક દવાખાનું ચાલે છે. કોઇપણ જાતની આશા કે અપેક્ષા વગર તેઓએ મુંબઇના ભાટીયા, હરકીસનદાસ અને જસલોક જેવા હોસ્પિટલોને કરોડો રૂપિયાનું દાન અપાવ્યું છે. પંઢરપુરના પ્રખ્યાત મંદિરમાં દર્શન મંડપ બાંધવા માટે લાખો રૂપિયા મેળવી આપ્યા હતા. દાનવીરોની યાદીમાં એમનું કયાંય નામ ન હતું પણ એજ પ્રેરણામૂર્તિ હતા એ બધાને જ ખબર છે. આવુ ખડતર વૈરાગ્ય પાળનાર ડોંગરે મહારાજ ખરેખર આધુનિક શુકમુનિ હતા એજ સાચું છે. આજની તારીખમાં પણ એમની પ્રેરણાથી શરૂ કરેલ કેટલાય વૃદ્ધાશ્રમો, અનાથાલયો, શાળાઓ, મહાવિદ્યાલયો અને વિશેષ કરીને અન્નક્ષેત્રો ભારતભરમાં સમાજસેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. આવા સંતપુરૂષ પુજનીય ડોંગરે મહારાજ ને આપણા શતશઃ પ્રણામ !
વિલાસ ભોંડે  ૦૬-૦૭-૨૦૧૧


Responses

 1. એ અણમોલ ઘડી
  જીવન માં ક્યારેક એવા પ્રસંગો આવી જાય છે કે આપણે અથાક પ્રયત્ન કરવા છતાં પ્રાપ્ત કરી શકતા નથી, પણ ક્યારેક ઈશ્વર મહેરબાની કરે તો આકસ્મિક રીતે મળી જાય છે. આવોજ એક અમૂલ્ય પ્રસંગ મારા જીવનમાં પણ અનાયાસ બની ગયેલો, આજે પણ જ્યારે જ્યારે એ વેળાની કોઈ વાત કે કોઈ એવી બાબત ની ચર્ચા નીકળે છે ત્યારે ત્યારે હું ધન્યતા અનુભવું છું.
  આજે સાલ તો ચોક્કસ લખી નથી શકતો પણ લગભગ ૧૯૬૦ કે ૬૨ ની આસપાસ ની વાત છે, કરજણ જંકશન પાસે મિયાં માતર ગામના સ્વ. ઠાકોર સાહેબ શ્રી અજીતસિંહજી મારા મામા થાય, અને વડોદરા માં તેમના પ્રતાપ નગર માં “માતર હાઉસ” નામક બંગલા માં કોઈ ધાર્મિક પ્રસંગ હતો, ત્યારે મને પુ. મામા સાહેબે કહ્યું કે “ભાણુ, દાંડિયા બજાર માં ડોંગરેજી મહારાજ નામના ભુદેવ રહે છે તેને લેવા જવાનું છે, તું ત્યાં કોઈને પુછી ને તેમનું મકાન ગોતી લેજે.”
  ત્યારે આજના જેવી ભીડ ભાડ ન હતી, નામ પુછતાં જ ભુદેવનું મકાન મળી ગયું, મને યાદ છે ત્યાં સુધી પુર્વાભીમૂખ દ્વાર માં પ્રવેશતાંજ પ્રમાણ માં મોટો ઓરડો, સામે જાડી મોટી ગાદી પર ઢળિયું ટેબલ, પાછળ તકિયો અને એક ગાદલા પર સાદી ચાદર, જમણી બાજુએ કદાચ આગંતુકો માટે બેસવા પાથરણું, ઓરડા માં એકાદ બે ભીંત ચિત્રો, યાદ નથી પણ કદાચ માખણ ચોર લાલા નાજ હશે, એ સિવાય ખાસ કોઈ રાચ રચીલું ન હતું, ટેબલ પાછળ શાંત ચિત્તે બેઠેલા ભુદેવે મને આવકારી ને મારા આવવા નું પ્રયોજન પૂછ્યું. મેં સ્વ.ઠાકોર સાહેબ નું નામ આપતાં મને નમ્રતા થી કહ્યું, “ભાઈ, પાંચ દશ મીનીટ બેસો હું આ કાર્ય પુરૂં કરી લવ.”
  થોડાજ સમયમાં એ ભુદેવ સાદા ધોતિયા પર એક ઉપ વસ્ર પહેરી ને તૈયાર થઈ ગયા અને ગાડી માં મારી બાજુમાં બિરાજી ગયા.
  પૂજા વિધી પૂર્ણ થતાં હું પાછો એ ભુદેવ ને દાંડિયા બજાર પહોંચાડવા ગયો, ત્યારે ભુદેવે નમ્રતાથી કહ્યું “ભાઈ ઉમરના પ્રમાણમાં ગાડી સારી ચલાવો છો.” ત્યારે મને ખબર ન હતી કે મને આજે જેમના સારથી બનવાનો મોકો મળ્યો છે તે કોણ છે? બસ અનાયાસ બે હાથ જોડીને મેં એ નમ્ર ભુદેવ ને વંદન કર્યા.
  આજે જ્યારે જ્યારે એ પ્રસંગ યાદ આવે છે ત્યારે હું મારી જાતને ધન્ય ગણું છું કે જેમની ભગવત કથા સાંભળવા અને જેના દર્શન માત્ર કરવા લોકો દૂર દૂર થી આવતા, કંઈક નામાંકિત-અનામી સંતો મહંતો જેમની સેવા સ્વીકારવા પધારતા, એ મહાન સંતને આજની પેઢીએ નજરો નજર જોયેલા હોય એવા બ્રહ્મલીન પ્રાત: વંદનીય શ્રી શ્રી-કેટલા પણ શ્રી લગાડો તો મારા મતે ઓછા પડે-ડોંગરેજી મહારાજ ના સારથી બનવાનો મોકો મને મળ્યો એ વિચારે હું મારી જાતને ધન્ય ગણું છું, મારા માતુશ્રી ની અનન્ય ભક્તિ ના પ્રતાપે જ એ શક્ય બનેલું, પણ ત્યારે મને ખબર ન હતી કે આ મારા જીવન ની ધન્ય ઘડી હું માણી રહ્યો છું.
  જય શ્રી કૃષ્ણ. જય ભોળેનાથ.

  કેદારસિંહજી એમ જાડેજા
  ગાંધીધમ.૧૨.૧૨.૧૨
  kedarsinhjim@gmail.com
  ૯૪૨૬૧૪૦૩૬૫


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: