Posted by: vmbhonde | जुलै 2, 2011

આચાર્ય વિજય રત્નસુંદરસૂરિજીએ યથા યોગ્ય જ કહ્યું છે કે

બારી પશ્ચિમની,

સૂર્યોદયદર્શન અસંભવિત,

વલણ નકારાત્મક,

મનની પ્રસન્નતા અસંભવિત.

અત્યંત વિકટ લાગતી મુશ્કેલીઓને મહાત કરવી છે કે નાની સરખી રાઈ જેવડી વિટંબણાનો પહાડ બનાવવો તે સંપૂર્ણપણે જીવન પરત્વેના આપણાં દૃષ્ટિકોણને આધીન છે. કોઈક વખત ઈશ્વરે આપેલ ચેલેન્જ કે પછડાટમાં ફરીથી ઉપર ઉઠવાની અમૂલ્ય તક રહેલી હોય છે તે આપણને દેખાતી નથી. આ સંદર્ભની ટાપુ પર ફસાયેલા પેલા માછીમારની વાત તો આપે સાંભળી જ હશે.

એક વખત એક અત્યંત ગરીબ માછીમાર ફરીથી પોતાનું નસીબ અજમાવવા પોતાની નાની નાવ લઈને દરિયામાં ઝંપલાવે છે. ધીમે ધીમે તે દરિયામાં ઘણો જ આગળ નીકળી જાય છે. થોડા સમયમાં વાતાવરણમાં અચાનક પલટો આવે છે અને ભયાનક તોફાનમાં તેની નાવ ફસાઈ જાય છે. આગળ કંઈ વિચાર કરે તે પહેલા એક વિશાળ મોજાના થપાટથી તેની નાવ સમુદ્રમાં પલટી ખાય જાય છે અને માછીમાર સમુદ્રમાં જઈ પડે છે. સમુદ્રનું રૌદ્ર સ્વરૂપ જોઈને તેને લાગ્યું કે હવે જીવનની  આ અંતિમ ક્ષણો છે તેણે તેના ઈશ્વરને યાદ કર્યા.ભારે મહેનત બાદ તેણે થોડે દૂર એક દ્વિપ જોયો.

જેમ તેમ કરીને રાત આ નિર્જન દ્વિપ  પર વિતાવ્યા બાદ બીજા દિવસે સવારે ભારે ભૂખના કારણે તેણે આસપાસથી કંદમૂળ શોધીને પોતાની ભૂખ સંતોષી.  ત્યાર બાદ તેને વિચાર આવ્યો કે હવે તો કોણ જાણે ક્યારે અહીંથી બહાર નીકળી શકાશે ? માટે તાપ અને તડકાથી બચવા એક ઝૂંપડી બનાવી લઉં. આમ કરતા કરતાં તેના ત્રણ-ચાર  દિવસો નીકળી ગયા. માછીમાર દિવસ દરમિયાન  ખોરાકની શોધમાં દ્વિપ પર દૂર દૂર સુધી જતો અને સાંજ પડતા જ પોતાની ઝૂંપડીમાં પરત આવી જતો.  હવે તો તેણે ચકમક પથ્થરની મદદથી આગ પણ જલાવી લીધી હતી.

એક દિવસ આજ પ્રકારે તે સાંજ પડતા પોતાની ઝૂંપડી તરફ પરત આવી પોતે જલાવેલી આગની આસપાસ  બેઠો બેઠો  પોતાના પરિવારને યાદ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેમાંથી એક ચિનગારી ઝુંપડીના સૂકા ઘાસને અડતા જ ઝૂંપડી ભળભળ બળવા લાગી. ગરીબ માછીમાર ભારે નિરાશ થયો અને રાતભર બળતી ઝૂંપડીની પાસે બેસીને ઈશ્વરને કોસતો રહ્યો કે, ‘હે ઈશ્વર તું મને કઈ આપી શકતો નથી તો મારી પાસે  જીવનનો જે આધાર બચ્યો હતો તે પણ તે છીનવી લીધો.’

બચવાના કોઈ આસાર હવે બચ્યા નથી તેવો વિચાર કરતાં કરતાં જ સવાર પડી. સવાર પડતા જ તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. જ્યારે તેણે જોયું કે એક નાવ ધીમે-ધીમે ટાપુ તરફ આવી રહી છે. હવે માછીમારને ઝૂંપડી બાળી ઈશ્વરે પોતાના પર કરેલ  ઉપકારનો વિચાર આવ્યો. જો આગના તણખાથી ઝૂંપડી બળી ન હોત તો દૂરથી નિર્જન ટાપુ પર કોઈ વ્યક્તિ મદદ માટે રાહ જોઈ રહ્યો છે તેવો અંદાજ પણ નાવમાં બેઠેલા લોકોને આવ્યો ન હોત.

સખીઓ, વિચાર કરો પહેલી નજરે દેખાતી આપત્તિ રૂપી છિપની વચ્ચે ઈશ્વરે તકનું કેવું સુંદર મોતી મૂકયું હોય છે ? આપણા વડીલો હંમેશા  કહેતા કે શુભ શુભ વિચારો તો શુભ ફળ મળશે. જેની પાછળનું વિજ્ઞાન એ હતું કે આપણું અચેતન મન કોમ્પ્યુટરની જેમ તમામ બાબતોનો સંગ્રહ કરે છે. તેથી જ આપણે અવાર-નવાર આપણાં અચેતન મનને સકારાત્મક સંદેશાઓ આપતા જ રહેવા જોઈએ. સકારાત્મક  વિચારો મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિને હળવી બનાવી દે છે.

એવું કહેવાય છે કે, વિચારો કેટલા આવે છે ? તે મહત્ત્વનું નથી કેવા આવે છે તે બહુ મહત્ત્વનું છે. દોસ્તો  માનસિકતા જેટલી મજબુત સફળતા એટલી જ ઝડપથી આપના તરફ આકર્ષાશે. આપણા જીવનમાં  જીવંતતાનો અહેસાસ અને સફળતાનો સ્વાદ લાવવા માટે પ્રતિદિન કેટલાંક સંકલ્પો કરવા પડશે જેમ કે…

*આગલા દિવસે જે થયુ તે પ્રત્યેક દિવસને નવી સવાર ગણી મનમાં ઉત્સાહ સાથે આનંદથી ઉઠો, જેમ સૂરજ નિયમતતાનો સંદેશ લઈને આવે છે.

*પ્રયાસ કરો કે સૂરજની કિરણ ધરતી પર પથરાય તે પહેલા જ તમારી સવાર પડે.

*સવારે ઉઠતાની સાથે જ ઊંઘને અલવિદા કહીને તુરંત જ પથારીની બહાર આવો. એવું ન બને કે ઊંઘમાંથી જાગ્યા બાદ પણ પથારીમાં પડયા રહો.

*આપના મુડને ખુશખુશાલ રાખો. બધા સાથે પ્રેમ અને વિનમ્રતાથી  વર્તન કરો.

*પ્રત્યેક દિવસ મનમાં ઉઠતાની સાથે જ આજના કામોનો સંકલ્પ કરો જે પૂર્ણ કરવા ભરચક પ્રયાસ કરો.

*યોગ્ય લાગે ત્યારે કોઈકની સાચા દિલથી પ્રશંસા કરો. આપ અનુભવી શકશો કે એક અલગ જ આનંદ આપને પણ મળશે.

*નિરાશા જ વ્યક્ત કરતા લોકોને બને ત્યાં સુધી મળવાનું ટાળો. આવા લોકો આપણા સંકલ્પોને  પણ નબળા પાડે છે.

* જ્યારે પણ સમય મળે ત્યારે ઈશ્વરે જેમને કંઈક ખોટ સાથે મોકલ્યા છે તેમને સહજ રીતે જ મળો. તેમના પ્રયત્નો કે મુશ્કેલીઓની વચ્ચે પણ ખુમારીથી જીવન જીવવાનો તેમનો અભિગમ આપને પણ એક નવું જ જોમ પૂરું પાડશે.

hkbhatt123@yahoo.co.in        5-2-2011

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: