Posted by: vmbhonde | जुलै 1, 2011

શીક્ષણની ભુમી પર

શીક્ષણની ભુમી પર માણસાઈનાં વાવેતર

[સુરતની ખુબ જ જાણીતી શાળા શ્રી વી. ડી. દેસાઈ વાડીવાળા ભુલકાં ભવન વીદ્યાલયમાં યોજાયેલા શીક્ષક સમ્મેલનમાં, શીક્ષક ભાઈ–બહેનો, આચાર્યો અને કેળવણીકારોથી ખીચોખીચ ભરેલા સભાગૃહમાં મુખ્યવક્તા શ્રી વલ્લભભાઈ ઈટાલીયાએ આપેલા પ્રેરક, પ્રભાવક પ્રવચનના મુખ્ય અંશો… વક્તા અને લેખક શ્રી વલ્લ્ભભાઈની પરવાનગી અને સૌજન્યથી સાભાર… ]

એક સભામાં વીદ્યાર્થીએ પ્રશ્ન કર્યો, ‘વીદ્યાર્થીના જીવનમાં વધારે મહત્ત્વનું શું ? સમય, માર્ક્સ કે માણસાઈ?’ મેં કહ્યું, વીદ્યાર્થીના જીવનમાં પરીક્ષા પહેલાં સમય વધારે મુલ્યવાન છે, પરીક્ષા વખતે માર્ક્સ વધારે મુલ્યવાન છે અને પછી આખી જીન્દગી માણસાઈ વધારે મુલ્યવાન છે !

આપણી શીક્ષણની પદ્ધતીમાં સૌથી મોટી ખામી જ એ છે કે, બાળકો સારા માર્ક્સ લાવે એવી ભરપુર કોશીશ થાય છે, પરન્તુ બાળક મોટો થઈને સારો માણસ બને એવી જરાય કોશીશ થતી નથી. આપણે ત્યાં સાક્ષરતા અભીયાન ચાલે છે; પરન્તુ સારો માણસ બનાવવાનું કોઈ અભીયાન નથી ચાલતું. માનવજાતીની મોટાભાગની સમસ્યાઓનાં મને બે કારણો દેખાય છે:

માણસની અજ્ઞાનતા: અજ્ઞાનતાને કારણે માણસ નીરર્થક, ખર્ચાળ અને હાનીકારક રીવાજો તથા અન્ધશ્રદ્ધા તરફ ધકેલાય છે અને અન્ધશ્રદ્ધા એ તો ગરીબીની નીમન્ત્રણ પત્રીકા છે ! ગરીબી જ આપણી અનેકવીધ સમસ્યાઓની જનની છે.

♦♦ માણસની નીચતા: ચોરી, લુંટફાટ, ખુન–ખરાબા, શોષણ, સ્ત્રીઓ પરના પ્રતીબન્ધો અને અત્યાચારો, બેઈમાની, અનીતી અને ભ્રષ્ટાચાર – આ બધું જ માણસની નીચતાનું પરીણામ છે.

આનો અર્થ એ થયો કે, માણસ જ્ઞાનવાન’ બને અને સારો માણસ’ પણ બને તો આપણી મોટાભાગની સમસ્યાઓ ઉકેલી શકાય તેમ છે. આપણી પાસે કેળવણી જ એક માત્ર એવું માધ્યમ–સાધન છે, જે જ્ઞાન આપવાનું અને સારો માણસ નીર્માણ કરવાનું એમ બન્ને કાર્યો કરી શકે તેમ છે. સારા માણસની મારી વ્યાખ્યા સાવ સીધી છે:

જે માણસ–

મફતનું  ખાતો નથી,

મફતનું લેતો નથી,

બીજાને નડતો નથી

અને

પોતાની જવાબદારીમાંથી કદી છટકતો નથી

સારો માણસ છે.

90 ટકા ગુણ સાથે પાસ થયેલો વીદ્યાર્થી મોટો અધીકારી તો બની જાય છે; પરન્તુ એની માણસાઈની ટેસ્ટ લેવામાં આવે તો માંડ 10 ટકા આવે ! આપણે ત્યાં ભણતરના ક્ષેત્રમાં બે શબ્દો પ્રચલીત છે :

શીક્ષણ: શીક્ષણ એટલે શીખવવું. વીદ્યાર્થીને જે ન આવડતું હોય એ જણાવવું.

●● કેળવણી: કેળવણી એટલે વીદ્યાર્થીની ભીતરમાં જે વીશીષ્ટ શક્તી પડી છે તેને પારખવી, બહાર કાઢવી અને તેની માવજત કરવી.

To educate એટલે બહાર કાઢવું. શીક્ષકોએ મુખ્ય બે કામ કરવાનાં હોય છે: (1) વીદ્યાર્થીમાં રહેલી વીશીષ્ટ શક્તીને બહાર કાઢવી અને વીકસાવવી. (2) વીદ્યાર્થીમાં રહેલા માનવીય સદ્ ગુણોને બહાર કાઢવા અને વીકસાવવા.

સન્તાનો પાસે વાલીઓની અપેક્ષાઓનો કોઈ પાર નથી. વાલીઓને તો પોતાનાં બધાં સન્તાનોને ડૉક્ટર અને ઈજનેર બનાવી દેવાં છે. કોઈ બાળકમાં કાવ્ય સર્જનની પ્રતીભા હોય અને તેને ઈજનેર બનાવી દેવામાં આવે ત્યારે એક ઉમાશંકર જોશીનું ખુન થાય છે અને સમાજને એક નબળા’ ઈજનેરની ભેટ મળે છે ! કોઈ બાળકમાં શીક્ષક બનવાની પ્રતીભા હોય અને તેને ડૉક્ટર બનાવી દેવામાં આવે ત્યારે  એક મનુભાઈ પંચોળી દર્શક’નું ખુન થાય છે અને સમાજને એક જીવલેણ’ ડૉક્ટરની ભેટ મળે છે ! આપણે શા માટે શેક્સપીયર, એડીસન, ન્યુટન કે આઈન્સ્ટાઈન પેદા નથી કરી શકતા ? કારણ કે આપણે વીદ્યાર્થીને તેની પ્રતીભાથી વીપરીત દીશામાં વાળી દેવા માટે કટીબદ્ધ છીએ !

પશ્વીમના દેશોમાં પ્રાથમીક શાળામાં જ વીદ્યાર્થીઓની Aptitude Test લેવામાં આવે છે અને જાણી લેવામાં આવે છે કે વીદ્યાર્થીને કઈ લાઈનમાં રસ છે, તે કયા ક્ષેત્રમાં જવાની પ્રતીભા ધરાવે છે. ફોર્બસ’ મેગેઝીનના પ્રકાશક માઈકલ ફોર્બસે એક કામની વાત કરેલી, તમને જે કામ કરવામાં રસ છે, આનંદ આવે છે, તે કામને તમારો વ્યવસાય બનાવી દો, સફળતા તમારી પાછળ દોડતી આવશે.’

હમણાં જ જર્મનીમાં એક શાળાના 10 વીદ્યાર્થીઓએ વીદ્રોહ કરીને પોતાની અંગત શાળા શરુ કરી. મેથોડા’ નામની આ શાળામાં વીદ્યાર્થીઓ એ જ ભણે છે, જે ભણવામાં તેને રસ છે. એવા જ શીક્ષકો રાખે છે, જે શીક્ષકો પાસેથી શીક્ષણ પામવામાં વીદ્યાર્થીને રસ છે. શાળા–કૉલેજોનાં શીક્ષણ વગર જીવનમાં સફળ ન થઈ શકાય એવા વહેમમાં કોઈએ રહેવા જેવું નથી. શ્રી નારાયણભાઈ દેસાઈ શાળા–કૉલેજોમાં નથી ભણ્યા; પણ ગુજરાત વીદ્યાપીઠના કુલપતી બની શક્યા. જગતના સૌથી વધુ ધનવાન માણસ બીલ ગેટ્સે હાર્વર્ડ યુનીવર્સીટીનું શીક્ષણ અધુરું છોડીને માઈક્રોસોફ્ટ’ની સ્થાપના કરેલી. સફળ ક્રીકેટર અને વીશ્વકપ વીજેતા ભારતીય કપ્તાન મહેન્દ્રસીંઘ ધોની હમણાં જ બી.બી.એ.ની પરીક્ષામાં નાપાસ જાહેર થયો !

આપણે બાળકોને વીદ્યાપતી બનાવવાને બદલે ધનપતી બનાવવાની દોટ મુકી છે. 1943માં હીરોઈન ગ્રીર ગેરસનને બેસ્ટ એક્ટ્રેસનો એકેડેમી એવોર્ડ મળ્યો ત્યારે પ્રતીભાવ આપતા તેણે બહુ કામની વાત કરી: રુપીયા કમાવાના પ્રારંભીક ધ્યેય સાથે કોઈ કામ કરવું માણસની મોટામાં મોટી ભુલ છે. જે કામ કરવામાં તમને મઝા આવે છે, જે કામ માટેની તમારી પાસે કુશળતા છે, કામ તમે કરો. જો કામમાં તમે ખરેખર પાવરધા હશો–તમારી પાસે પ્રતીભા હશે, તો હું ખાતરી આપું છું કે તમને અઢળક રુપીયા મળશે.’

ગણીતના થોડાક આંકડા, ભુગોળના થોડાક નકશા કે અકબર–ઔરંગઝેબની થોડીક પેઢીઓનાં નામ ગોખી નાંખવાથી શીક્ષીત નથી બની જવાતું. એથેન્સ(ગ્રીસ)ના કેળવણીકાર સોક્રેટીસે (ઈ.સ.પુ.436) શીક્ષીત માણસોનાં સાત લક્ષણો કહેલાં:

(1) કોઈપણ પરીસ્થીતીમાં સુયોગ્ય અને ચોક્કસ નીર્ણય કરતો હોય

(2) લોકો સાથેના વહેવારમાં ભદ્ર, વીનમ્ર અને સરળ હોય

(3) વીવેક–બુદ્ધીપુર્વક, તર્કબદ્ધ વાત કરતો હોય અને પ્રામાણીકતાપુર્વક વહેવાર કરતો હોય (ભ્રષ્ટાચારી શીક્ષીત કહેવાય ?)

(4) આનંદ–પ્રમોદના સમયે પણ સંયમથી વર્તતો હોય  (લગ્ન જેવા પ્રસંગોએ વરઘોડામાં રસ્તાઓ જામ કરી દેનારા શીક્ષીત ગણાય ?)

(5) આપત્તીના સમયમાં પણ સ્વસ્થતા જાળવતો હોય  (થોડીક આફત આવે અને આપધાત કરી લેનારા માણસો શીક્ષીત ગણાય ?)

(6) સફળતામાં છકી ન જાય અને હારથી હતાશ ન થતો હોય

(7) અન્યને તો નહીં જ, પણ પોતાની જાતને પણ કદી છેતરતો ન હોય તે માણસ શીક્ષીત છે.

મીત્રો, પુસ્તકો(ચોપડાં) અને અભ્યાસક્રમ(કોર્સ)ની યાન્ત્રીક ફરજને ગૌણ બનાવીને સારો માણસ’ ઘડવાના કાર્યક્રમને પ્રાથમીકતા અપાશે ત્યારે જ શીક્ષણ સાર્થક બનશે અને આ દેશનો ઉદ્ધાર થશે.

એ બધા જ શીક્ષકો કહેવાય છે, જે ભણાવવાનું કાર્ય કરે છે; પરન્તુ સારો શીક્ષક એ છે જે વીદ્યાર્થીઓમાં અભ્યાસની રુચી પેદા કરી શકે છે અને સફળ શીક્ષક એ છે જે પોતાના વીદ્યાર્થીઓને સારા નાગરીક બનાવી શકે છે.

પ્રસાદ

માણસમાં શક્તી ઘટે તો ગ્લુકોઝના બાટલા છે,

માણસમાં લોહી ઘટે તો બ્લડના બાટલા છે;

પણ માણસમાં માણસાઈ ઘટે તો કોઈ બાટલા છે ?

વલ્લભ ઈટાલીયા (સુરત)

 

 

“K. M. Rahevar” <kmrahevar@gmail.com      6-6-2011

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: