Posted by: vmbhonde | मे 12, 2011

શ્રી દાદા ભગવાન

શ્રી દાદા ભગવાન

 ૮ નવેમ્બર, ૧૯૦૮ ના રોજ દાદાશ્રીનો જન્મ થયો હતો. તેઓનું આખુ નામ અંબાલાલ મૂળજીભાઇ પટેલ. મૂળ તેઓ ખેડા જીલ્લા, ભાદરણના વતની હતા. માતાનું નામ ઝવેરબા. કુટુંબ વૈષ્ણવ હતું. નાનપણથીજ તેઓને ભગવાનને પામવાની તાલાવેલી જાગી હતી. ૧૬માં વર્ષે એમના લગ્ન થયા, ત્યારેપણ તેમના મનમાં વૈરાગ્યના વિચારો હતા. જેમકે વહેલા મોડા આપણાંમાંથી એક છુટું પડવાનું જ છે. ૨૦માં વર્ષે એમણે મોટા ભાઇની સાથે કોન્ટ્રેકટના ધંધામાં ઝંપલાવ્યું. શ્રીમદ્ રાજચંદ્રનું એક પુસ્તક વાંચ્યા પછી તેમનામાં ઘણાં ફેરફારો થયા. મૂળમાંજ આધ્યાત્મિક વૃત્તિ હતી તેને બળ મળ્યું.
 ૧૯૫૮માં તેઓ જ્ઞાની પુરૂષ થયા. સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર જૂન મહિનાની એક સાંજે ભીડભાડવાળા વાતાવરણમાં બાકડા પર બેઠા બેઠા એમને નૈસર્ગીક અને આકસ્મિક રીતે જ આંતર-સાક્ષાત્કાર થયો. અંદરનો ઇશ્વ્વર જાગૃત થયો. જે લાખો વર્ષમાં એકાદવાર ચમત્કાર થાય છે તે એમની ત્યાં થયો. તેઓએ પોતાની આત્મીક શકિતથી આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક એવી નવી પદ્ધતિનું સર્જન કર્યું જેને “જ્ઞાનવિધી” કહેવામાં આવે છે. એમણે જગતને આપેલી ભેટ એટલે “અક્રમ વિજ્ઞાન” જે આધ્યાત્મિક તેમજ ભૌતિક જ્ઞાનની ચાવી છે. એ સાદા, સરળ, વ્યવહારૂ ઉકેલ આપી દૈનંદિન જીવનની ચિંતાઓ, તણાવ તથા દુઃખમાંથી મુકિત અપાવે છે. અક્રમ વિજ્ઞાન એ આત્મસાક્ષાત્કારનું સાચું સાધન છે.
 જગતનું સંચાલન કોણ કરે છે, ખરેખર કયાંય સ્વર્ગ-નર્ક છે, પુર્નજન્મ શું છે, ઇશ્વ્વર કોણ, કયાં અને શું છે  આ બધા સવાલોના સ્પષ્ટ અને સટીક જવાબો પૂજય દાદાશ્રીએ આપ્યા છે. એમનું લક્ષ હતું કે લોકોને પીડા, દુઃખ વગેરેથી મુકિત આપવી. અને બધાને કાયમના સુખ માટેનો રસ્તો દેખાડવો. તેઓ કહેતા જીવનનું સાચું લક્ષ એ મુકિત છે  પુર્નજન્મ માંથી મુકિત. અને અક્રમ વિજ્ઞાન થકી કોઇપણ એ પામી શકે છે. આધ્યાત્મ એ બધા માટે છે જેમાં કોઇપણ ભેદભાવ નથી. પૂજય દાદાશ્રીએ પોતાને કયારેય ઇશ્વ્વર કે ગુરૂ કહ્યું નથી. તેઓ તો જ્ઞાની પુરૂષ હતા. એમનું અક્રમ વિજ્ઞાન એ આત્મસાક્ષાત્કારનું વિજ્ઞાન છે. પૂજય દાદાશ્રીના દેવવિલય પછી પૂજય નીરૂમાં (પૂજય ડાઁ. નીરૂબેન અમીન) એ દિનરાત જોયા વગર દાદાશ્રીના જ્ઞાનનો પ્રચાર-પ્રસાર કર્યો. ભારત અને વિદેશમાં અથક પ્રવાસો કરી બધાજ સ્તરના લોકોને માર્ગદર્શન આપવા માટે પ્રયાસો હાથ ધર્યા. પૂજય નીરૂમાં દાદાશ્રીની સેવામાં ૨૦ વર્ષથી હતા. એમણે બધાને સમાન નજરથી જોઇને નિસ્વાર્થ ભાવથી પ્રેમ કર્યો, જેથી તેઓ વિશ્વ્વના માં થયા અને તેમને પ્રેમથી બધા નીરૂમાં કહેતા હતા. માર્ચ ૨૦૦૬માં તેઓના આકસ્મિક દેહાવસાન પછી પૂજય દિપકભાઇ એ અક્રમ વિજ્ઞાનની મશાલ હાથમાં લીધી. જેમને દાદાશ્રી અને નીરૂમાં બંનેની કૃપાદ્રષ્ટિ મળેલ છે.
 દાદાભગવાન ફાઉન્ડેશન પૂજય નીરૂમાંના માર્ગદર્શન હેઠળ સ્થાપન થયું હતું. જેમાં જરૂરીયાતમંદોને અક્રમ વિજ્ઞાન થકી મુકિતનો માર્ગ દેખાડવામાં આવે છે. એ નફો ન રળનાર સંસ્થા છે જેનું ધ્યેય વિશ્વ્વભરમાં શાંતી, સામંજસ્ય અને પરમ તત્વની કૃપા પ્રસરાવવાનું છે. આ ફાઉન્ડેશનના ભારતભરમાં તથા પરદેશોમાં પણ ઘણાં કેન્દ્રો છે. જેમાં મુખ્ય રાજકોટ, ભૂજ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, બેંગ્લોર, કોલકતા વિગેરે છે. તે સિવાય અમેરીકા, ઇંગ્લેડ, સ્પેન, જર્મની, કેન્યા, સિંગાપોર, દુબઇ, ન્યુઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા વિગેરે ઠેકાણેપણ કેન્દ્ર પ્રવૃત્તિ ચાલે છે. મુખ્ય કેન્દ્ર અમદાવાદથી ૧૮ કિલોમીટર દૂર અડાલજમાં છે. જયાં ત્રિમંદીરની સ્થાપના કરવામાં આવેલ છે. ત્રિમંદીરમાં ૧૮ ટનની સીમંધર સ્વામીની મૂર્તિ છે. જેની બાજુમાં શ્રી ઋષભદેવ, આદિનાથ, પાર્શ્વ્વનાથ, મહાવીર ભગવાનોની મૂર્તિઓ છે. પહેલા મંદિરમાં શંકર ભગવાનના શિવલિંગની સ્થાપના થયેલ છે. અને ત્રીજા મંદિરમાં યોગેશ્વ્વર કૃષ્ણની સાથે તિરૂપતી બાલાજી અને શ્રીનાથજી પણ છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ૨૯-૧૨-૨૦૦૨ના રોજ ૧૭ હજારથી વધારે ભકતોએ ઉપસ્થિતિ આપી હતી. બધાજ ધર્મોના એકબીજા સાથેના ભેદભાવો અને ઝઘડા દૂર કરવા માટે બધાજ દેવોને એકસાથે મુકવામાં આવેલ છે.
 દાદાજીનું એક સ્વપ્ન હતું કે મહાત્માઓનું એક શહેર વસાવવામાં આવે જયાં આત્મસાક્ષાત્કાર પછીની આધ્યાત્મિક પ્રગતિ થઇ શકે, જયાં એવું આધ્યાત્મિક વાતાવરણ હોય કે જે અત્યારના ભૌતિક જીવનથી દૂર પરમ તત્વની પ્રાપ્તી કરવામાં સહાય્યરૂપ થાય. ત્રિમંદિર પાસે મહેસાણાના રસ્તા પર સીમંધર સીટી નામથી આવા શહેરની ડિસેમ્બર ૨૦૦૨માં સ્થાપના કરવામાં આવી હતી. તેના અંતર્ગત અંબા હેલ્થ સેન્ટર, જ્ઞાનમંદિર (ગુરૂકુલ) અને નિરાંત (વૃદ્ધો માટેનું ઘર) આવી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. અંબા હેલ્થ સેન્ટરમાં મુખ્યત્વે આરોગ્ય વિષયક તપાસ, ઉપચાર નજીવા દરથી થાય છે. ૨૦૦૧ના ઘરતીકંપ વખતે સેન્ટર તરફથી ઘણું બધું મદદનું કામ થયુ હતુ જેમાં ફૂડપેકેટ આપવા, તંબુ, ધાબળા, કપડા, વિગેરેનું પણ વિતરણ કર્યુ હતું. ત્રણગામ દત્તક લઇ એનું પુરૂ બાંધકામ કરવામાં આવ્યું હતું. અડાલજમાં એક શાળા પણ શરૂ કરવામાં આવેલ છે. નિરાંત અંતર્ગત આધ્યાત્મિક વાતાવરણમાં ભગવાનની નિશ્રામાં વડીલો માટે પાછલા જીવનની “નિરાંત” વસાહત બનાવવામાં આવેલ છે. જેમાં ૪૮ રૂમો હોઇ આશરે ૧૦૦ થી ૧૫૦ વૃદ્ધો માટે રહેવાની વ્યવસ્થા ૨૦૦૫-૦૬માં કરવામાં આવેલ છે. જયાં સતસંગ છે તો સાથે સાથે બગીચો, સરોવર અને વ્યાયામશાળા પણ છે. દાદાશ્રીના ઘણાં બધા પુસ્તકો ફાઉન્ડેશનના પ્રકાશન સંસ્થા તરફથી છાપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અને બધાજ કુટુંબીજનો માટે અમુલ્ય ખજાનો સાબિત થાય છે. પુસ્તકોમાં ઘણાં બધા આધ્યાત્મિક ગહન વિષયોની સમજ સાદા, સરળભાષામાં આપવામાં આવેલ છે. દાદાવાણી આ નામથી એક માસિક પણ પ્રકાશિત થાય છે. જુદા જુદા કેન્દ્રો ઠેકઠેકાણે આધ્યાત્મિક ઉન્નતિ માટે જ્ઞાનવિધીની શિબિરો આયોજીત કરતા હોય છે.
 ઇશ્વ્વર એક છે અને બધાજ એને સરળતાથી પામી શકે છે, એમાં કોઇ ઉંચ-નીચ નથી, બધા સમાન છે આવો વૈશ્વ્વિક સંદેશ આપનાર પૂજય શ્રી દાદાભગવાનને સાદર પ્રણામ.

વિલાસ ભોંડે  ૦૨-૦૩-૨૦૧૧
૧૦૯/૧૧૦  બી, શ્રેણિક પાર્ક, અકોટા સ્ટેડીયમ સામે,
પ્રોડકટીવીટી રોડ, વડોદરા  ૩૯૦૦૨૦.
ફોન ઃ ૦૨૬૫  ૨૩૫૬૫૩૮.


Responses

  1. […] એક સરસ, પરિચય લેખ […]


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: