Posted by: vmbhonde | मे 12, 2011

રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ

રાષ્ટ્રસંત  તુકડોજી મહારાજ

 પૂજય તુકડોજી મહારાજ મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના દૂરના ગામડા યાવલી ખાતે ૩૦ એપ્રિલ ૧૯૦૯ ના દિવસે એક ગરીબ ઘરમાં જનમ્યા હતા. તેઓનું તે વખતનું નામ માણિક નામદેવ ઇંગળે હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ યાવલી અને વારખેડ ખાતે થયું. નાનપણમાંજ તેઓ જુદા જુદા સંતોના સાનિધ્યમાં આવ્યા જેમાંથી સમર્થશ્રી અડકોજી મહારાજે એમના ઉપર કૃપા કરી એમને યોગીક શકિતઓ આપી. અને તુકડોજી આ નામ આપ્યુ. તે પછી તુકડોજી રામટેક, રામદિઘી, ગોંડાડા અને સાલબર્ડી ડુંગરાઓના જંગલોમાં જઇને યોગ સાધના કરતા થયા. એમના પ્રત્યેના આદરના લીધે આસપાસના લોકો એમને દેવાબાબા કહેતા. ૧૯૩૫માં તેઓએ મહારૂદ્ર યજ્ઞનુ સાલબર્ડી ખાતે આયોજન કયુર્ં, જેમાં આશરે ૩ લાખ લોકો એ ભાગ લીધો. જેના લીધે તેઓ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મોટી પ્રસિદ્ધી પામ્યા. તેઓ પોતાની ખંજીરી (એક તાલવાદ્ય) સાથે જયારે ભજનો ગાતા ત્યારે હજારો લોકો ડોલી ઉઠતા.
 ૧૯૩૬માં મહાત્મા ગાંધીજીએ તેઓને સેવાગ્રામ આશ્રમમાં બોલાવ્યા. જયાં તેઓ એક મહિનો રહ્યા. તે પછી ગાંધીજીની પ્રેરણાથી તેઓએ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક જનજાગરણ અભિયાન સાથે-સાથે સ્વતંત્રતા આદોલનમાં પણ ઝંપલાવ્યુ. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન દરમિયાન તેઓની ધરપકડ થઇ અને તેમને ૧૦૦ દિવસ માટે નાગપુર તથા રાયપુર જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલથી છુટયા પછી તેમણે સમાજોદ્ધારના કાર્યક્રમો હાથ ધર્યા. જેમાં અંધશ્રદ્ધા નિર્મુલન, અસ્પૃશ્યતા વિરોધ, ગો હત્યા બંદી વિગેરે મુખ્ય હતા. નાગપુરથી ૧૨૦ કિ.મી. દૂર મોઝારી ગામમાં તેમણે ગુરૂકુંજ આશ્રમની સ્થાપના કરી. જયાંથી એમના અનુયાયીઓ થકી રચનાત્મક કાર્યક્રમો હાથમાં લીધા. આશ્રમના ઉપર એમણે ધ્યેયવાકય લખાવ્યું “અમારા મંદિરમાં કોઇપણ જાતના જાતિ, ધર્મ, દેશના ભેદભાવો વગર બધા આવકાર્ય છે” એમણે અખિલ ભારતીય શ્રી ગુરૂદેવ સેવા મંડળની સ્થાપના કરી. જેના થકી તેઓ સામુહિક ભોજન અને પ્રાર્થના, રામધુન, ગામની સફાઇ અને ગટર વ્યવસ્થા, નાના છોકરાઓની અને સ્ત્રીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ, ગ્રામીણ કલાઓ, કુસ્તીના અખાડાઓ, યોગ સાધના વિગેરે ગ્રામવિકાસના કાર્યક્રમો કરાવતા હતા. સ્વાતંત્ર્ય મળ્યા પછી તુકડોજી મહારાજે ગ્રામોત્થાન માટે ઘણાં બધા રચનાત્મક કાર્યક્રમો ઉપાડયા. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ ડાઁ. રાજેન્દ્ર પ્રસાદે ગુરૂકુંજ આશ્રમ ખાતે તેઓને રાષ્ટ્રસંત આ પદવીથી નવાજયા. ગાંધીજીના પૂણ્યતિથી નિમિત્તે સેંકડો ગામડાઓમાં ગ્રામવિકાસના કાર્યક્રમો હાથ ધરી ગુરૂકુંજ, આમગાવ અને વાડી બજાર આ ત્રણ ગામોને આદર્શ ગ્રામ તરીકે વિકસીત કર્યા. ધણાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ આ ગામોની મુલાકાત લઈ તુકડોજી મહારાજના ગ્રામવિકાસ કાર્યની પ્રશંસા કરી. આ બધા અનુભવો પરથી તેઓએ ગ્રામગીતા નામના હિન્દી અને મરાઠીમાં લખેલ પુસ્તકનું પ્રકાશન કયર્ંુ. જેમાં ગ્રામ્યજીવનના મહત્વના પહેલુઓ વિષે (સધર્મ મંથન,ગ્રામનિર્માણ, સંસ્કાર સંશોધન, પ્રેમધર્મ સ્થાપન, આદર્શ જીવન વિગેરે) સાદી સરળ ભાષામાં સમજણ આપવામાં આવી છે.
 જાપાન ખાતે ભરાયેલ ૧૯૫૫ ની વિશ્વ્વધર્મ સંસદ અને વિશ્વ્વશાંતિ સંમેલનમાં એમણે ભાગ લીધો જયાં ઉદ્ધાટન સમારોહમાં ખંજીરી ઉપર ગાયેલ એમના ભજનોએ શ્રોતૃ વર્ગને આનંદોત્સાહિત કર્યા હતા. ૧૯૫૬માં તુકડોજી મહારાજે ભારત સાધુ સમાજની સ્થાપના કરી. જેમાં ધણાં બધા સાંપ્રદાયિક, ધાર્મિક નેતાઓએ ભાગ લીધો. આ પ્રકારની આ પહેલી સંસ્થા હતી ત્યાં પોતે તુકડોજી મહારાજ એના પ્રથમ અધ્યક્ષ થયા. એ ૪-૫ વર્ષ દરમ્યાન એમને ઘણે બધે ઠેકાણે જેવાકે ભારત સેવક સમાજ સંમેલન, હરીજન સંમેલન, સર્વસેવા સંઘ સંમેલન, સર્વોદય, વિદર્ભ સાહિત્ય સંમેલન, અખિલ ભારતીય વેદાંત, આયુર્વેદ સંમેલનમાં માર્ગદર્શન આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ વિશ્વ્વ હિન્દુ પરિષદના પહેલા સ્થાપક ઉપાધ્યક્ષ હતા. રાષ્ટ્રીય સંકટોના સમયમાં પણ (બંગાળનો દુકાળ, ચીન સાથે યુદ્ધ, પાકિસ્તાન યુદ્ધ, કોયના ધરતીકંપ) તેઓ પોતાના મિશન સાથે અગ્રેસર રહી રચનાત્મક કાર્યો કરતા હતા. પૂજય વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં પણ તેઓએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. તેઓએ હિન્દી અને મરાઠીમાં મળી લગભગ ૩૦૦૦ ભજનો, ૨૦૦૦ અભંગો, ૫૦૦૦ ઓવી અને લગભગ ૬૦૦ જેટલા ધાર્મિક, સામાજીક અને રાષ્ટ્રીય ચિંતનના લેખો લખ્યા છે. તુકડોજી મહારાજ સ્વયંપ્રકાશિત તારા અને મોટા યોગી હતા. તેઓ ખૂબ સારા વકતા તથા સંગીતકાર પણ હતા. એમનું વ્યકિતત્વ અદ્વિતીય હતુ અને એમણે શીખવાડેલ તત્વો વર્ષો સુધી ઘણી પેઢીઓને દિવદાંડીરૂપ થાય એવા હતા. છેલ્લા દિવસોમાં કેન્સર પીડિત થઇ ૧૧ ઓકટોબર ૧૯૬૮ના દિવસે ગુરૂકુંજ આશ્રમમાં તેઓએ દેહત્યાગ કર્યો. એમની સમાધી હજારો લોકોને નિસ્વાર્થ સેવા અને રચનાત્મક કાર્ય કરવાની સતત પ્રેરણા આપે છે. તેઓની ગ્રામગીતા આદર્શ ગામની માતા છે. ગામડાઓએ પોતાના ઉપર આધારીત એવી વ્યવસ્થા બનાવી વિકાસ સાધવો જોઇએ. નહેરુજીએ પણ લખ્યું છે કે ગ્રામોદ્ધાર કરવા માટે તમે રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ પાસે જાવ. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સરકારે પણ ગ્રામગીતા પર આધારીત ગ્રામોદ્ધારના કાર્યક્રમો ઘણે ઠેકાણે હાથમાં લીધા છે. ગ્રામગીતાનું અંગ્રેજી સહિત ઘણી બધી ભાષાઓમાં ભાષાંતર થયું છે. તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં શિસ્તના બીજ રોપ્યા તથા ગ્રામ્ય સ્વાસ્થ્ય, ખાદીનો ઉપયોગ, રસ્તાબાંધકામ, અૌષધાલયો, શાળાઓ વિગેરે પ્રકલ્પો શરૂ કર્યા.
 પોતે બહુ ભણેલા ન હતા તેમ છતા તેઓનુ આધ્યાત્મીક સ્તર અને સામાજીક તથા રાષ્ટ્રીય જાગૃતિને લગતા વિષયો પરનું ચિંતન ખૂબ ઉચ્ચકોટીનું હતું. જાત-પાતનો ભેદ, સંપ્રદાય-ધર્મ નો ભેદ માં તેઓ માનતા ન હતા. ભગવાન, મંદિર -મસ્જિદ-કે ચર્ચમાં નથી પણ બધેજ છે. જનસેવા એજ પ્રભૂ સેવા અને એમાંથી જ આત્મસાક્ષાત્કાર. આવા ઉદાત્ત વિચારોના પ્રણેતા રાષ્ટ્રસંત શ્રી તુકડોજી મહારાજને શતશઃ પ્રણામ. આવો આપણે એમણે ઉપદેશેલ તત્વો આપણા જીવનમાં ઉતારીએ અને એમનુ ગ્રામ વિકાસનું સ્વપ્ન સાકાર કરીએ.
વિલાસ ભોંડે  ૦૨-૦૩-૨૦૧૧
૧૦૯/૧૧૦  બી, શ્રેણિક પાર્ક, અકોટા સ્ટેડીયમ સામે,
પ્રોડકટીવીટી રોડ, વડોદરા  ૩૯૦૦૨૦.
ફોન ઃ ૦૨૬૫  ૨૩૫૬૫૩૮.
ઇમેલ ઃ વ્મ્બ્હોંન્દ્રુેંશ્ચય્ઙહોંોં.ચેં.ન્િં

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: