Posted by: vmbhonde | मार्च 3, 2011

પૂજય શ્રી મોટા

પૂજય શ્રી મોટા

૪-૯-૧૮૯૮ ના રોજ સાવલી મુકામે ચુનીલાલ નામના બાળકનો એક ગરીબ પછાત જાતિના ભાવસાર (રંગકામ કરનાર) કુટુંબમાં જન્મ થયો. એના પિતાજી આશારામ સારા ભજન ગાયક હતા માટે ભગત કહેવડાવતા હતા. માતાનું નામ હતુ સુરજ બા. દાદા ભાઇચંદ કુટુંબનો રંગકામનો ધંધો સંભાળતા. ચાર ભાઇઓમાથી બીજો ચુનીલાલ – ચુનીયો/ચુનીયા/સનીયો(શનિવારે જન્મેલ). દાદા ગુજરી ગયા પછી રંગકામનો ધંધો છોડી આખુ કુટુંબ સાવલીથી પંચમહાલ જીલ્લાના કાલોલ મુકામે ગયું. માતા પિતા મહેનત કરતા અને કમાતા. મા ઘરકામ માટે જતી. ચુનીયો પણ કયારેક ખેત મજૂર તો કયારેક ઇટોંના ભટ્ટામાં, અનાજની દુકાનમાં કામે જતો. સાથે શાળામાં પણ ભણતો. એની હોશિયારી જોઇ શાળાના પ્રિન્સીપલે ચાર-ચાર ધોરણનો અભ્યાસક્રમ દોઢ વર્ષમાં પુરો કરાવેલ. આગળ ભણવા માટે ચુનીલાલ પેટલાદ ગયા જયાં તેઓ પ્રભાબેનની ત્યાં રહ્યા અને આધ્યાત્મિક તથા ભૌતિક માર્ગદર્શન મેળવ્યું. ત્યાંજ જાનકિદાસ મહારાજ નામના સંતનો સંગાથ મળ્યો. એમનું બધુ કામ કરતાં કરતાં એમના આધ્યાત્મિક શબ્દો – ઉપદેશ સાંભળી એમના રંગે રંગાતા ગયા. સંતે ચુનીલાલ માટે ભયંકર બિમારીની ચેતવણી પણ આપી અને તે પ્રમાણે તેઓ ઘણા દિવસ સુધી બિમાર – બેસુધ રહ્યા, પણ પરીક્ષાની તૈયારી પુરેપુરી પહેલેથીજ કરી હતી જેથી મેટ્રીકમાં સારા ગુણો થી ઉતીર્ણ થયા અને બરોડા કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

 ૧૯૧૯માં ગાંધીજીનું રાજકિય આદોલન શરૂ થતા એમણે કરેલ આહવાનના પ્રતિસાદમાં ચુનીલાલે ૧૯૨૦ માં બરોડા કોલેજ છોડયું. અને અમદાવાદના રાષ્ટ્રીય મહાવિદ્યાલય એટલે કે ગુજરાત વિદ્યાપીઠમાં દાખલો લીધો. ત્યાંપણ તેઓ અનેક આંદોલનોમાં આગળ પડતો ભાગ ભજવતા હતા. ઘર કુટુંબ માટે ભણવાનું જરૂરી હતું, પણ ભારતમાતાની પુકાર સાંભળી છેલ્લે એમણે ભણવાનું છોડયું. થોડો સમય વાગરા તાલુકામાં કામ કરી પાછા અમદાવાદ આવ્યા. અને મહાત્મા ગાંધીજીની હાંકલથી ફરીથી ગુજરાત વિદ્યાપીઠ છોડી નડીયાદમાં અંત્યજો માટેના છાત્રાલયનું કામ હાથમાં લીધું. વિદ્યાર્થીઓને ભણતર માટે પ્રેરીત કરતા. રસોઇ, સાફસફાઇ વિગેરે બધુ પોતે કરતા, જેથી ધીરે-ધીરે વિદ્યાર્થીઓ એમની સાથે થઇ ગયા. એ ભજનો ગાતા-ગવડાવતા. પ્રેરણાદાયી ધાર્મિક-ઐતિહાસીક વાતો કહેતા. દલિતોની વસ્તીમાં જઇને રાત્રે રહી ત્યાંજ ભોજન કર્યું એટલે એમણે શરૂઆતમાં સવર્ણોની નારાજગી પણ વહોરી લીધી. તેઓ બે સંસ્થાઓમાં સાથે કામ કરતા જેથી ઘર ચલાવવામાં માટે થોડાક પૈસા વધારે મળે. પણ કોઇકે આની તકરાર ગાંધીજી પાસે કરી. ચુનીલાલે નિડરતાથી પોતાની બધી વાતો મુકી. પણ જયારે એમને એક કામ છોડવાનું કહેવામાં આવ્યું ત્યારે એમણે અંત્યેજોનું કામ પસંદ કર્યુ. એકવાર ડાઁ. એનીબેસન્ટ ત્યાં આવવાના હતા માટે વિદ્યાર્થીઓને બેસાડી રાખવાનું કહેવામાં આવ્યું. પણ જયારે બહુ મોડુ થયું ત્યારે ચુનીલાલે વિદ્યાર્થીઓને છોડી દિધા. પાછળથી એની બેસન્ટ ને એમણે સીધો સવાલ કર્યો કે મે શું ખોટું કર્યું? વિદ્યાર્થીઓ કાંઇ ઘેટાં-બકરા નથી કે એમને મોડીરાત સુધી એક ઓરડામાં પુરી દેવાય. વિદ્યાર્થીઓને મળવા માટે નેતાઓએ સમય ઉપર ન પહોંચવું જોઇએ ?

 દલિતો માટેનો પાણી સત્યાગ્રહ કરવા એમણે છેલ્લે નોકરી છોડી દિધી. એટલામાં આર્થિક અને માનસિક પરીતાપોના લીધે એમને ફીટસ્ આવવા માંડયા. એ બેસુધ થઇ જતા. આરામ માટે તેઓ નર્મદા કિનારે ગયા. ત્રાસીને-કંટાળીને એકદિવસે તેઓએ નર્મદામાં પડતુ મુકયું પણ ચમત્કારથી એમને નર્મદા મૈયાના દર્શન થયા અને એ બહાર ફેંકાઇ ગયા. ત્યારથી ભગવાન ઉપરનો ભરોસો વધ્યો, જે છેલ્લે સુધી રહ્યો. બા ના કહેવાથી હરીઓમ મંત્રનો જાપ શરૂ કર્યો અને ૩-૪ મહિનામાં જ એમની તબીયત સારી થઇ. તેઓએ ૧૯૫૫ માં નડીયાદ ખાતે અને ૧૯૫૬માં સુરત ખાતે હરીઓમ આશ્રમની સ્થાપના કરી. તેઓ એક રચનાત્મક કાર્યકર અને સાચા કર્મયોગી હતા. શ્રી ચુનીલાલ ભગત પોતે ગુજરાત હરીજન સેવક સંઘના સહાયક મંત્રી તરીકે પણ કામ કરતા હતા. એમના ગુરૂ એ એક કરોડથી વધારે રૂપિયા ખર્ચ કરી સમાજના પછાત-દલિત-ગરીબ વર્ગના ઉત્થાન માટે કામ કરવાનું એમણે કહ્યું અને તે આદેશનું એમણે ૧૯૬૨ થી છેલ્લે સુધી પાલન કર્યું. ૧૫ જુલાઇ ૧૯૭૬માં સુરત આશ્રમથી નડીયાદ જવા માટે નિકળ્યા પણ વરસાદને કારણે વડોદરા પહોંચ્યા. ૧૬ મી જુલાઇ થી પ્રોસ્ટેટનો ત્રાસ ખુબ વધ્યો અને ૨૩ મી જુલાઇ ૧૯૭૬ ના રોજ વહેલી સવારે એમણે આ નશ્વ્વર દેહનો ત્યાગ કર્યો.
 એમણે સમાજોપયોગી ધણીબધી પ્રવૃત્તિઓ શરૂ કરી. પોતાના સાધના માટે જે તકલીફો પડી એને ધ્યાનમાં રાખી તેઓએ નડીયાદ આશ્રમમાં મૌન મંદિર ઉભુ કર્યું. જયાં ૭-૧૪-૨૧ દિવસ માટે અલગ કોઠડીમાં મૌન રહીને હજારો મુમુશ્રુઓ લાભ લેતા હોય છે. પોતાને ઓળખો તોજ ઇશ્વ્વર સાક્ષાત્કાર થશે અને એના માટે આંતર-બાહ્ય મૌન એજ એક રસ્તો છે એમ તેઓ કહેતા. આપણે બધા જાણીએ જ છીએ કે એમના નામથી તરણ સ્પધાર્ંઓ યોજાય છે. યુવાનોમાં શારીરિક ક્ષમતાનો વિકાસ થાય એ માટે તરણ હોજ બાંધવા માટે ગુજરાત તથા મહારાષ્ટ્ર સરકારને તેમજ ખંભાત, સુરત, વિસનગર, વલ્લભ વિદ્યાનગર જેવી ધણી નગરપાલિકાઓને તેઓએ આર્થિક મદત કરી છે. મહિલાઓના ઉત્થાન માટે મહાજન શકિતદલ ની સ્થાપના કરવામાં આવેલ છે. સાહિત્ય અને બીજા પ્રકાશનો જેમાં વિશેષ કરીને ભારતીય સંસ્કૃતિ ને લગતું સાહિત્ય દા.ત. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ભાગવત વિગેરે માટે ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, ચરોતર એજયુકેશન સોસાયટી, ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ, ગુજરાત સાહિત્ય પરિષદ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિગેરે ધણી સંસ્થાઓ તરફ દાનનો પ્રવાહ વહેતો કર્યો હતો.  વૈજ્ઞાનિક શોધ સંસ્થાઓ માટે પણ બધાજ ક્ષેત્રોમાં તેઓ તરફથી આર્થિક મદત જાય છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેવી સંસ્થાઓને પણ તેઓ ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે મદતરૂપ થતા હોય છે. અત્યારસુધી ૧૧ કરોડ રૂપિયાથી વધારે ખર્ચો કરી પ.પૂ. મોટાના પ્રેરણાથી ખૂબ અંતરીયાળ ગરીબ ગામડાઓમાં સ્થિત પ્રાથમિક શાળાઓના ૮૨૯૪ ઓરડીઓના બાંધકામ માટે તેમણે પ્રયાસો કર્યા છે.
 
 પૂજય મોટાએ કહ્યું હતુ ” મારા મૃત્યુ પછી મારા નામમાં કોઇએ સ્મારક બનાવવું નહી પણ ત્યાં જે પૈસા આવે તે ગામડાઓમાં શાળાની ઓરડીઓ બાંધવા માટે વાપરવા.” આવા આધ્યાત્મિક પણ સાથેસાથે સમાજ સેવા ને સમર્પિત એવા સંતશ્રી મોટા ને અમારા લાખ-લાખ વંદન. ચાલો આપણે સંકલ્પ કરીએ કે આપણી ક્ષમતા મુજબ આવા સામાજીક કાર્યો માટે આપણે તન, મન, ધનથી મદદરૂપ થઇએ.
          વિલાસ ભોંડે ૧૫.૧૦.૨૦૧૦

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: