Posted by: vmbhonde | मार्च 3, 2011

પૂજય જલારામ બાપા

પૂજય જલારામ બાપા

શ્રી જલારામ બાપાનો જન્મ ૧૪-૧૧-૧૭૯૯ ના રોજ વીરપુરમાં માતા રાજબાઇના કુખે થયો. એમના પિતાજીનું નામ હતુ શ્રી પ્રધાન ઠક્કર જેઓનો પોતાનો ધંધો હતો. માતા રાજબાઇ હંમેશા સાધુ સંતોની સેવા કરતા. એમનું આદરઆતિથ્ય માણ્યા વગર વીરપુરથી કોઇ જતુ નહી. સંત રધુવીરદાસજીએ મા રાજબાઇને કહ્યું હતુ કે એમનો બીજો પુત્ર ખુબ પ્રસિદ્ધ સેવાભાવી સંત થશે. આવી માતા પાસેથી જલારામ બાપાએ સેવા, ભકિત, ધીરજ, ત્યાગભાવના વિગેરે ગુણો કેળવ્યા. જયારે એ નાના હતા ત્યારે એક સંત એમને મળ્યા જેઓ જલારામ બાપાને પૂર્વ જનમથી જાણતા હતા. અને એમની પ્રેરણાથીજ તેઓ સીતારામ મંત્ર બોલવા માંડયા. ૧૬ વર્ષમાં જ એમના લગ્ન વીરબાઇ જોડે થયા જે ઠક્કર પ્રાગજી સોવાજીયા ના દિકરી હતાં. જલારામને સંસાર ચલાવવામાં કે પિતાનો ધંધો ચલાવામાં બિલકુલ રસ ન હતો. એ તો સાધુ સંતોની સેવામાંજ લાગ્યા રહેતા. ભૌતિક જગતમાંથી તેઓ બહાર જવા માંગતા હતા. સૌભાગ્યથી પત્ની વીરબાઇ એ પણ એમનો માર્ગ સ્વીકાર્યો. જયારે જલારામે તીર્થયાત્રાએ જવાનો નિર્ણય કર્યો ત્યારે તેઓ પણ એમને અનુસર્યા. વચમાં એમણે પિતા સાથે અને પછી કાકા સાથે ધંધામાં ઝંપલાવ્યું પણ સાધુઓ અને ગરીબો માટેની એમની દયાને લીધે એમને ફાવ્યું નહી. ધંધામાં બેસીને પણ તેઓ બધાને છુટા હાથે મદત કરતા અને પિતા / કાકાના વેણ સાંભળતા.
 ૧૮મા વર્ષે શ્રી જલારામ બાપાએ ફતેપુર જીલ્લા અમરેલીના શ્રી ભોજલરામને ગુરૂ તરીકે સ્વીકાર્યા અને ગુરૂમાળા તથા શ્રીરામના નામનો મંત્ર મેળવ્યો. ૧૮૨૭માં ગુરૂના આર્શીવાદથી એમણે ૨૪ કલાક માટે ખુલુ સદાવ્રત શરૂ કર્યું. જયાં બધા સાધુસંતો તથા જરૂરીયાતમંદો ગમે ત્યારે જમી શકે. કોઇપણ ખાધા વગર પાછુ જાય નહી તેનો ખ્યાલ તેઓ પોતે રાખતા. ગામે ગામ મદત લેવા જતા. એ અને પત્ની વીરબાઇ નજીકના ખેતરોમાં કામ કરતા અને અનાજ ઉગાડતા. વીરબાઇએ પીયરથી મળેલ પોતાના સોનાના દાગીના પણ વેચી દિધા હતા જેથી ગરીબોને ખવડાવી શકાય. એક દિવસ ભગવાન શ્રીરામ એમની પરીક્ષા લેવા વૃદ્ધ સાધુનું રૂપ લઈ આવ્યા. અને વૃદ્ધત્વના લીધે પોતાનાથી કાંઇ થતુ નથી માટે મદત કરવા વીરબાઇને સાથે લઇ ગયા. જલારામે જે ભકિત અને સેવાભાવથી શ્રીરામની વૃદ્ધ સાધુના રૂપમાં વીરબાઇ થકી મદત સેવા કરી એનાથી ખુશ થઇ ભગવાન શ્રી રામે એમને એક લાકડી અને થેલી આપી હતી. જે આજે પણ વીરપુરમાં જોવા માટે મુકેલ છે. ધીર-ધીરે તેઓ દિવ્યતાનો અવતાર છે એવી ખ્યાતી બધે પસરવા માંડી. વીરપુર આવનાર કોઇપણ વ્યકિતને નાત-જાત-ધર્મ ના ભેદભાવ વગર તેઓ જમાડતા. એટલે એમને બધા રોટીબાવા પણ કહેતા હતા.
 
 એકવાર વીરપુર ખાતે કોઇક ધંધાના કામ માટે ત્રણ આરબો આવ્યા. તો એમને પણ જમવા માટે કહેવામાં આવ્યું. એમણે જલારામ બાપાને કહ્યું અમે તો અરબ-મુસ્લિમ છીએ અને તમારી જેમ શાકાહારી પણ નથી. તો પણ જલારામ બાપાએ એમને પ્રેમથી જમાડયા અને પછી કહ્યું કે તમારી થેલીમાં પેલા મુક પક્ષીઓને શું કામ પકડી રાખેલ છે ત્યારે આરબોએ કહ્યું કે એ તો મૃત પક્ષી છે જેનો અમે શિકાર કર્યો છે. જલારામ બાપાએ હસતા-હસતા પક્ષીઓને હાથમાં લઇ જીવીત કરી છોડી મુકયા. પેલા અરબો તો આ ચમત્કાર જોઇ ખૂબ પ્રભાવિત થયા અને જલારામ બાપાને અમે ફરીથી પશુપક્ષીઓની હત્યા કરશું નહી એવું વચન આપી ત્યાંથી વિદાય લીધી. ૧૮૫૬ના મોટા દુકાળમાં પણ પૂજય જલારામ બાપાએ વધારેમાં વધારે લોકોને ભોજન મળે એવો પ્રબંધ કર્યો હતો. ૨૩-૨-૧૮૮૧ના રોજ પ્રાર્થનામાં બેઠાબેઠા એમણે આ નશ્વ્વરદેહનો ત્યાગ કર્યો.

 આજે પણ વીરપુરમાં હજારો લોકોના જમણ પછી પણ કોઇ દિવસે ભોજન ખુટતુ નથી. ૨૦૦૧થી જલારામ મંદિરમાં દાન લેવાનું બંધ છે તેમ છતાં વીરપુર સહિત બધેજ ઠેકાણે કયારે કોઇ વાતની કમી પડતી નથી. ૧૮૮૫માં પૂજયશ્રી જલારામ બાપાનું મંદિર બન્યું ત્યારથી એક એમનો અસલ ફોટો મુકવામાં આવ્યો હતો મૂર્તિ નહી. શ્રીરામ અને સીતામાતાની મૂર્તિઓનું મંદિર બનાવવામાં આવેલું છે જ. રોજે ૧૦ હજારથી વધારે ભાવિકો ત્યાં આવતા હોય છે અને પ્રસાદરૂપી ભોજન કરે છે. અમદાવાદ (૧૯૭૬થી), પોંડીચેરી, મોડાસા, આણંદ, પૂણે, વાશી, વડોદરા, ઉપલેટા, કોચીન, લીસેસ્ટર (યુ.કે.) જેવા ધણાં ઠેકાણે જલારામ સદાવ્રત પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ રામરોટી (ગરીબોને રોજે ભોજન), ધુળેટીથી આષાઢ સુદ બીજ સુધી રોજે હજારો ભાવીકોને છાસ પાવી, ખીચડી પ્રસાદ – દર ગુરૂવારે હજારો ભાવીકોને જમાડવા, આરોગ્યમાં રકતદાન તથા મેડીકલ શિબિરો, પોલીયો વિગેરેની રસી આપવી, શિક્ષણ ક્ષેત્રમાં પાઠયપુસ્તકો તથા નોટબુકોનું રાહતદરમાં વિતરણ, સંકટ સમયમાં એટલે કે પુર, દુકાળ, પ્લેગ, વાવાઝોડુ વિગેરેમાં મદત – ભોજન, કપડાં, પાણી, દવાઓ, પુનવર્સન વિગેરે – આવી ધણીબધી સેવાકિય પ્રવૃત્તિઓ જલારામ ટ્રસ્ટ ચલાવે છે. વડોદરામાં પણ સ્મશાનમાં અગ્નિદાહના લાકડા આપવા, હોસ્પિટલોમાં ભોજન, ફળો, દવાઓ આપવી વિગેરે અનેક સેવા પ્રકલ્પોના અમે સાક્ષી છીએ.

 શ્રી જલારામ બાપા કહેતાં.
ભોજન – ભજન આપો, જનસેવા એજ પ્રભુસેવા, બધાજ ધર્મો સમાન છે, બધાજ પ્રાણીમાત્ર ભગવાનના સંતાનો છે જેમાં કોઇ ભેદભાવ નથી, કોઇ કામ નાનું નથી, ઘૃણાને પ્રેમ પૂર્વક પાછા વાળો.
 આવા અમૃતવચનો આપનાર પૂજયશ્રી સંત જલારામ બાપાને હાર્દિક પ્રણામ !
          વિલાસ ભોંડે ૧૫.૧૦.૨૦૧૦

Advertisements

Responses

 1. જલારામ બાપા

  વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
  દાતા તમે આવ્યા જલા ના વેશ માં….

  માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
  વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા
  સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..

  અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
  ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
  હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં.

  લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
  ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ ની કરતાં
  ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…

  પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
  લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
  ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં

  રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
  હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
  સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં..

  રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજળ આપતાં
  દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
  અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં

  દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
  હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
  એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં…

  દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
  સદા રહે મારે હૃદયે રામજી, એવી મતી મારી રાખજો
  હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં

  અર્ધાંગનાં-મારીજ એક રચનામાં મેં લખ્યું છે કે “પરણે બધા એ તેને,પત્ની મળે જીવન માં,પણ હોય ભાગ્યશાળી,અર્ધાંગની મળે છે…”

  અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું.

  રચયિતા
  કેદારસિંહજી મે. જાડેજા
  ગાંધીધામ. ૯૪૨૬૧ ૪૦૩૬૫
  kedarsinhjim@gmail.com


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: