Posted by: vmbhonde | ऑक्टोबर 24, 2010

દુનિયા દેવાદાર: અમેરિકા મોટો દેવાળિયો

દુનિયા દેવાદાર: અમેરિકા મોટો દેવાળિયો

મહુવામાં ૧૯૪૨ની લડતમાં વિધવા થયેલા એક વોરા કુટુંબના બહેને તેના ઘરની દીવાલ સામે સૂત્ર લખેલું ‘દુનિયા દેવાદાર છે.’ આજે ૬૭ વર્ષે આ વાત એકદમ સાચી ઠરે છે. આપણે બધા તો આપણા અસ્તિત્વ માટે એકબીજાનાં કે માબાપના કે રાષ્ટ્રના દેવાદાર છીએ, પરંતુ દુનિયાની દ્રષ્ટિએ અમેરિકા સૌથી મોટો દેવાદાર જ નહીં પણ સૌથી મોટા દેવાળિયા નાગરિકો, બેન્કો,કંપનીઓ ને સરકારી દેવાવાળો દેશ બન્યો છે.

પેરીસનું દૈનિક ‘લે મોન્ડે’ અખબાર કહે છે કે (મથાળું: યુએસ ધ વર્લ્ડઝ ડિપેસ્ટ ડેબ્ટર) છેલ્લાં ૨૦ વર્ષથી અમેરિકા દુનિયાનો અગ્રણી દેવાદાર દેશ છે. તેનું વિદેશી નેટ દેવું ૧૯૮૨માં ફકત ૨૫૦ અબજ ડોલર હતું તે ૨૦૦૧ના ૨.૨ ટ્રીલિયન ડોલર થયું છે. એટલે કે ફકત ૨૦ કરોડ લોકો જગતના પાંચ અબજ લોકોનું જે કુલ દેવું છે તેટલું દેવું એકલું અમેરિકા ધરાવે છે.

અમેરિકનો દેવું કરીને ઘર, મોટર, લકઝુરીયસ ચીજો અને મોંઘા પ્રવાસ કરે છે. મિલિટરીમાં અઢળક ખર્ચ કરે છે સરકાર પોતે મોટું દેવું કરીને પૂર્વ એશિયા,જાપાન ને ચીનના અઢળક નાણાં વાપરે છે. અમેરિકાનું સૌથી મોટું લેણદાર ચીન છે તેથી સતત અમેરિકી પ્રમુખો ચીનના નેતાઓની દાઢી પંપાળે છે.

યથા રાજા તથા પ્રજા એવી કહેવત છે. લંડનના ટાઇમ્સ દૈનિકના કહેવા પ્રમાણે દેવાળું કાઢવું તે અમેરિકાનો પ્રતિદિન વધી રહેલો મોટો ઉદ્યોગ છે. અમેરિકામાં ડોકટર થવું એટલે અબજપતિ થવાના દરવાજા ખોલવા જેવું છે. કંઈ રીતે? વિગતથી જોઈએ.

(૧) અમેરિકનોમાંથી દરેક ૩માંથી ૧ને ડાયાબિટીસ, હૃદયરોગ કે કેન્સર હોય છે. સત્તાવાર આંકડા પ્રમાણે ઊંચા મેડિકલ બિલને કારણે ૮૬૬૦૦૦ જેટલા દેવાળાં કાઢે છે. કુલ્લે ૨૩.૪૬ લાખ લોકો દેવાળાં કાઢે છે. બીમાર પછી ઊચા ડોકટરનો ખર્ચ ન આપી શકનારો દરેક અમેરિકન ૧૫ સેકન્ડે એક- એ દરે દેવાળાં જાહેર કરે છે. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ નામનું અખબાર પોતે રૂ.૨૦૦૦ કરોડના દેવામાં છે.

(૨) હાવર્ડ યુનિ.ના સંશોધકોના કહેવા પ્રમાણે અમેરિકામાં કુલ વ્યકિતગત દેવાળાં (કંપનીઓના નહીં) કઢાય છે તેમાં ૬૨ ટકા પર્સનલ બેન્કરપ્ટસી મેડિકલ બિલને કારણે છે. અમેરિકામાં બીમારીનો ખર્ચ એટલો હોય છે કે વીમાની રકમ પૂરતી ન હોઈ ૭૮ ટકા આવા હેલ્થ ઇન્શ્યુરન્સ છતાં દેવાળું કાઢે છે આમાં મોટા ભાગના મઘ્યમવર્ગના લોકો હોય છે.

(૩) જે કુટુંબો મેડિકલી બેન્કરપ્ટ છે તેમનું ૧ કુટુંબનું વર્ષનું દવાદારૂનું બિલ ૨૬૯૭૧ ડોલર એટલે કે વર્ષે રૂ.૧૩ લાખ દવાદારૂમાં ખર્ચાતા હોય છે! રોબર્ટ વુડ જોન્સન ફાઉન્ડેશન નામની ધર્માદા સંસ્થાના કહેવા પ્રમાણે (૪-૭-૨૦૦૯નું અમેરિકન જર્નલ ઓફ મેડિસિન જુઓ) ઘણાં કુટુંબોએ ડાયાબિટીસ અને જ્ઞાનતંતુના રોગને કારણે ઊંચા મેડિકલ બિલ ભરવાથી દેવાળાં નોંધાવેલા. ડાયાબિટીસના દર્દીનું વર્ષે સરેરાશ મેડિકલ બિલ ૨૬૯૭૧ ડોલર આવે છે. જ્ઞાનતંતુના રોગની સારવારનું બિલ ૩૪૧૬૭ ડોલર આવે છે. તેના થકી કુટુંબ દેવાળું કાઢે છે!

(૪) સંતાનોને કોલેજમાં ભણાવવા જતાં ઊંચી કોલેજની ફી ન ભરવાને કારણે ૬૦.૩ ટકાએ દેવાળાં કાઢ્યા હતા. દેવાળું કાઢનારામાં ૨૦ ટકા મિલિટરીના વર્તમાન અને નિવૃત્ત સોલ્જરો પણ હતા. આજે અમેરિકામાં ઘર વગરના થનારાની સંખ્યા વર્ષે ૩૫ લાખ હોય છે. દર રાત્રે ૮૪૨૦૦૦ લોકો એક રાત માટે રસ્તા પર આવી જાય છે. વર્ષે ૧.૫ કરોડ લોકોએ ઘરની લોન ન ભરવાને કારણે ઘરબહાર એકાદ વખત તો ફેંકાઈ જવું જ પડે છે.

(૫) જાન્યુ.-ફેબ્રુ.૨૦૦૯માં ૩૬ જેટલી મોટી ખમતીધર પબ્લિક લિમિટેડ કંપનીઓએ ૬૬.૫ અબજ ડોલરનાં દેવાળાં કાઢયાં હતાં. મેજોર લિન્ડસે એન્ડ આફ્રિકા’ નામની કાનૂની પેઢીને બખ્ખાં છે. હાર્વે મિલર નામનો કાનૂનશાસ્ત્રી જે બેન્કરપ્ટસી કાનૂનનો કિંગ ગણાય છે તેની એક કલાકની ફી રૂ.૩૨૫૦૦થી માંડીને ૪૭૫૦૦ છે.

તે કહે છે કે દેવાળિયાનાં કાનૂન કેસો એટલા બધા છે કે સવારે ૮થી રાત્રે ૧૧ સુધી કામ ચાલે છે. આ કારણે બેન્કરપ્ટસી-લો શીખવા માટે લો-કોલેજોમાં લાઇન લાગે છે. દેવું કરીને પણ લો-કોલેજની ઊંચી ફી ભરી, પછી પોતે જ દેવાળિયા બને છે! અમેરિકામાં મંદી ટળી નથી અને રોજ નવા દેવાળિયા પેદા થાય છે.

ભારતમાં કોઈ દેવાળું કાઢે તો આપઘાત કરે,મોઢું સંતાડે કે દેશ છોડી ભાગી જાય પણ અમેરિકામાં તો સામે ચાલીને લોકો દેવાળું નોંધાવીને હળવા થાય છે. અમેરિકાના અમુક રાજયોમાં દેવાળું કાઢનારના ઘરનું કે કારનું લિલામ થઈ શકતું નથી. બીજા ઘર, કપડાં, ઘરવખરી કાર વગેરે તમામ વેચાઈ જાય છે.

એટલે ઘણાને દેવાળું કાઢવું હોય તે પહેલાં અમુક રાજયમાં દેવું કરીને ઘર અને કાર ખરીદી લે છે. પતિ-પત્નીના દરેકનાં દેવાં અલગ અલગ હોય છે. અમુક પતિ ચોખ્ખું કહી દે છે કે મારી પત્નીએ જ ઉધારીમાં માલ લીધો છે હું જવાબદાર નથી. ઘણા લોકો છૂટાછેડા પછી કે ગંભીર બીમારી પછી દેવાળાં નોંધાવે છે. એક વખત નહીં પણ બબ્બે વખત દેવાળું ફૂંકનારા હોય છે. એટલે દર છ વર્ષે દેવાળું ફૂંકી શકાતું હતું તે અવધિ આઠ વર્ષની કરાઈ છે!

(૬) રોઇટર્સ સમાચાર સંસ્થાના કહેવા પ્રમાણે ૧૨ જૂન, ૨૦૦૯ના રોજ જનરલ મોટર્સનું દેવાળું અમેરિકાનું મોટામાં મોટું ઔધોગિક કંપનીનું દેવાળું હતું. લગભગ રૂ.૩૦૦૦૦૦ કરોડનું એ દેવું હતું. અમેરિકી સરકારે તેને આમાંથી અડધી રકમ બચવા માટે આપી છે. જૂન ૨૦૦૯ સુધીમાં ૯૯ કંપનીએ આ મંદીમાં દેવાળાં કાઢેલા. ૪૩૯૫૪૫૦૫૯૦૪ ડોલરનાં કુલ દેવાળાં હતા. ૨૧ કંપનીઓમાં ટેકસાકો કંપની, ક્રિસલર મોટરકાર કંપની અને ડેલ્ટા એરલાઇન્સ આવી જાય છે.

(૭) પ્રમુખ ઓબામાએ સત્તા લીધા પછી અમેરિકામાં દરરોજ ૨૮૮૦ દેવાળાં ફૂંકાય છે અને વર્ષે ૧૦૫૧૨૦૦ દેવાળાં ફૂંકાય છે. અમેરિકામાં દેવાળું ફૂંકનારો ભાગ્યે જ જેલમાં જાય છે. બેન્કરપ્ટસીનો પ્રથમ ‘આઇડિયા’ ઇંગ્લેંડના રાજા હેન્રી આઠમાને આવેલો ત્યારે ૧૫૪૨માં કાનૂન ઘડાયો તે મુજબ દેવાળું કાઢનારની તમામ સંપત્તિ જપ્ત કરાતી અને દેવાદારને જેલ પડતી.

તેનું કુટુંબ ન છોડાવે તો જેલમાં જ મરી જતો. ગ્રીસ એવો દેશ હતો જયાં દેવાળું કાઢનારી વ્યકિત તેના લેણદારને દેવું ચૂકવવા તેની પત્ની અને બાળકો સહિત લેણદારનો ગુલામ બની જતો! ગ્રીક કાનૂન એટલો ક્રૂર હતો કે દેવાળું કાઢનારે જિંદગીભર લેણદારના ગુલામ રહેવું પડતું. આપણે વાતવાતમાં તું સાવ બંકુસ છે તેવો શબ્દ વાપરીએ છીએ.

પણ લેટીન ભાષામાં બેન્કરપ્ટ શબ્દ માટે બંકુસ શબ્દ છે. સ્પેને તો ચાર ચાર વખત દેવાળું કાઢેલું! ચંગીઝ ખાન તો ત્રણ વખત દેવાળું કાઢનારને મૃત્યુદંડ આપતો! ઓસ્ટ્રેલિયામાં કંપની નહીં માત્ર વ્યકિત જ દેવાળું જાહેર કરી શકે છે. સિંગાપોરમાં દેવાળું કાઢનાર જીવનપર્યંત દેશ બહાર જઈ શકતો નથી! (દેવું ભરી દે ત્યાં સુધી) ઓસ્ટ્રીરયનોને મજા છે. દેવાળું કાઢનારા પર એટલા બધા કેસો છે કે કોર્ટને પગલાં લેવાની ફુરસદ નથી!

maheshmshah@yahoo.com                                  28-8-2010

Advertisements

Responses

 1. આ વાતને સમર્થન આપતી ગઝલ વાંચી ?

  રાત દી‘ આઠે પ્રહર ડોલરની દોડધામમાં,
  આદમીને હર પળે પલ્ટાવતું નગર જુઓ.

  દૂરથી સોહામણું ને પાસથી બિહામણું,
  દંભને મોહે જીતાઇ હારતું નગર જુઓ !

  શાખ મોટી મોભની તીજોરી ખાલી ખાલી આ,
  દાણ વીમાને પથારે કાંપતુ નગર જુઓ.

  read more on :
  http://devikadhruva.wordpress.com


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: