Posted by: vmbhonde | ऑक्टोबर 1, 2010

ભક્તિની ચાર શરતો

ભક્તિની ચાર શરતો

Source: Manasdarshan, Moraribapu    
       
 
 
જ્યાં સુધી પાણી ન પીઓ ત્યાં સુધી ગમે તેવા સ્વાદિષ્ટ ભોજનનો સંતોષ થતો નથી. તેમ જ્ઞાન ગમે તેટલું મૂલ્યવાન હશે પણ ભક્તિ ભળશે તો અને તો જ સંતોષ થવાનો છે માટે બન્ને માર્ગ જરૂરી છે.

આજનો માણસ બે કારણોથી ભગવાન પાસે જાય છે (૧) ભય અથવા ડરને લીધે (૨) પ્રલોભન અથવા લાલચને લીધે. માણસના જીવનમાં આર્થિક, શારીરિક, સામાજિક કોઈપણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય એટલે બીકનો માર્યો ભગવાનનાં ચરણમાં માથું ટેકવવા માટે દોડી જાય છે અને બીજું ધંધો, નોકરી, પરીક્ષા કે બીજી કોઈપણ સફળતાની લાલચમાં તે ઈશ્વર પાસે પહોંચી જાય છે. ઈશ્વર અથવા સદ્ગુરુનાં ચરણમાં બેસી જાય છે કારણ એને ભયથી દૂર ભાગવું છે અથવા ભોગની નજીક પહોંચવું છે.

પરંતુ એક વાત ખાસ સમજવા જેવી છે કે ભય અથવા પ્રલોભન બેમાંથી એકપણ હાજર હશે ત્યાં સુધી પ્રેમ પ્રગટતો નથી અને જ્યાં સુધી પ્રેમ પ્રગટતો નથી ત્યાં સુધી પરમેશ્વર પ્રગટતો નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હો હિં મૈ જાના. ભય એ ભૂતકાળ છે અને પ્રલોભન એ ભવિષ્ય છે. માણસ ભૂતકાળમાં કરેલી ભૂલો ઉપર પસ્તાવો કરે છે અથવા ભવિષ્યની ચિંતા કરે છે અને પરિણામે વર્તમાનમાં જીવવાનું ચૂકી જાય છે. જ્યાં સુધી તમે વર્તમાનને જીવશો નહી ત્યાં સુધી પ્રેમ પ્રગટ થશે નહીં અને ત્યાં સુધી ગુરુ કે ગોવિંદ બેમાંથી કોઈનો રાજીપો મળશે નહીં. 

ઈશ્વર કે સદ્ગુરુ ને રાજી રાખવા માટે શું કરવું જોઈએ ? ઈશ્વર ઉપર ફૂલ-ફળ-જળ-દૂધ કે બીલીપત્ર ચડાવીએ તો રાજી થાય તે બરાબર છે પણ આ બધું ન ચડાવી શકાય તો રાજી ન થાય એવું નથી. મારી દ્રષ્ટિએ ઈશ્વર કે સદ્ગુરુને રાજી રાખવા માટે ફૂલના હાર ન પહેરાવો તો ચાલશે પરંતુ ત્રણ પ્રકારનાં Ful બની જવાની જરૂર છે.

(૧) Beautiful : અહીં બ્યુટિફુલનો અર્થ દૈહિક સૌંદર્ય એવો કરવાનો નથી. દૈહિક સૌંદર્ય હોય કે ન હોય પણ તમારું આંતરિક સૌંદર્ય અનિવાર્ય છે. તમારું મન સુંદર હોય એટલે સુ-મન થયું ગણાય અને જેની પાસે સુ-મન હોય એને સુમનની જરૂર પડતી નથી.

(૨) Peaceful : પીસફુલ એટલે પોતાની જાત સાથે, પરિવાર સાથે, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વની સાથે જે શાંતિપૂર્ણ સદ્ભાવથી વર્તે છે તે ઈશ્વરને ગમતું બીજું પુષ્પ થયું. 

(૩) Careful : કેરફુલ એટલે પોતાની જાત અને પોતાના પરિવારની સૌને ચિંતા છે પણ જે વ્યક્તિ પોતાના સંસ્કારની કેર કરે છે, જે પોતાની અસ્મિતાની કેર (દરકાર) કરે છે તે સાચી પરવા છે. આ પ્રકારની નિસબત ધરાવતો સ્વભાવ એ ઈશ્વરને ગમતું ત્રીજું પુષ્પ છે. આ ત્રણ પ્રકારનાં ફુલ ચડાવવાથી ત્રિભુવનનો નાથ અત્યંત પ્રસન્ન થાય છે. સદ્ગુરુ પણ રાજી થાય છે.

આવાં ત્રણ પ્રકારનાં ફુલ ચડાવનાર સાધકને Fool (મૂર્ખ) ન બનાવવો તે ગુરુનો ધર્મ છે ઈશ્વર તો એવું કરતો નથી પણ દેશકાળ પ્રમાણે ગુરુએ સભાન થઈ જવાની જરૂર છે. ગીતાજીમાં ઈશ્વરને ધરવા માટે પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ્ની વાત થઈ છે પણ તમારી પાસે બીલીપત્ર ન હોય તો તમારું ભાગ્યપત્ર ભગવાનને અર્પણ કરો, ફૂલ ન હોય તો બ્યુટિફુલ, પીસફુલ અને કેરફુલ બનીને તમારા સજ્જન સ્વભાવનાં સુમન અર્પણ કરો, ફળ ન હોય તો તમારા કર્મોનું ફળ ઈશ્વરને અર્પણ કરો અને છેલ્લે તોયમ્ એટલે કે જળ ન હોય તો તમારી આંખનાં અશ્રુઓનું જળ અર્પણ કરો કારણ અશ્રુના અભિષેકથી મોટો કોઈ અભિષેક નથી.

મોઢામાં હરિનામ હોય અને આંખો સજલ હોય એનાથી મોટી કોઈ પૂજા નથી અને અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે નામસ્મરણ માટેનો ઉત્તમ સમય છે. એક સવાલ વરસોથી સાધકોને સતાવે છે, એ પ્રશ્ન એવો છે કે ઈશ્વરને મેળવવા માટે ભક્તિના માર્ગ પર ચાલવું કે જ્ઞાનનાં માર્ગ ઉપર ચાલવું ? શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુએ કહ્યું છે કે કપડાંને અગ્નિમાં નાખવાથી બળી જાય છે પણ અગ્નિ અને પાણીનું મિશ્રણ કરવાથી ગરમ પાણી બને છે અને ગરમ પાણીમાં કપડાં નાખવાથી તેનો મેલ દૂર થાય છે અને નિર્મળ થઈને બહાર આવે છે, તે રીતે જ્ઞાન અગ્નિ છે, એકલું જ્ઞાન સાધકને દઝાડી શકે છે પણ જ્ઞાનરૂપી અગ્નિ અને ભક્તિરૂપી પાણીને મેળવીને જે ભક્તિ-જ્ઞાનનું ગરમ પાણી બને છે તે સાધકના જીવનને નિર્મળ બનાવશે માટે બન્ને માર્ગ સાચા છે.

આ વાતને વધુ સરળતાથી સમજવી હોય તો ભોજન જ્ઞાન છે અને પાણી ભક્તિ છે. પાણી ભોજન પહેલાં પીઓ, મધ્યમાં પીઓ કે ભોજન બાદ પીઓ પણ જ્યાં સુધી પાણી ન પીઓ ત્યાં સુધી ગમે તેવા સ્વાદિષ્ટ ભોજનનો સંતોષ થતો નથી. તેમ જ્ઞાન ગમે તેટલું મૂલ્યવાન હશે પણ ભક્તિ ભળશે તો અને તો જ સંતોષ થવાનો છે માટે બન્ને માર્ગ જરૂરી છે.

જે લોકોને ભક્તિના માર્ગ પર ચાલવું છે તેમના માટે માનસકાર ચાર શરતો રાખે છે, એક તો તમારી ભક્તિથી બીજા કોઈને જરા પણ હાનિ ન પહોંચે તે ભક્તિમાર્ગની પ્રથમ શરત છે. મંદિર કે મિસ્જદમાં થતી ભક્તિને લાઉડ સ્પીકર દ્વારા વધુ પડતી લાઉડ કરીને તે કોઈ વિદ્યાર્થીના વાંચનમાં કે કોઈ અશકત કે બીમારનાં આરામમાં ખલેલ પહોંચાડે તો તે ભક્તિની પ્રથમ શરત ચૂકી જાય છે. આ પ્રકારની ભક્તિને ગોસ્વામીજી આદર્શ ભક્તિ માનતાં નથી.

ભક્તિમાર્ગની બીજી શરત એવી છે કે ભક્તિ કરતાં કરતાં સાધકનું ભજન એટલું બધું આગળ ન નીકળી જવું જોઈએ કે સાધક જેનું ભજન કરે છે તે ભગવાન ખુદ પાછળ રહી જાય. ભગવાનથી ચડિયાતા સાબિત થવાનું ભક્તનું ગજું નથી એટલે અહીં ભગવાન પાછળ રહી જાય એનો અર્થ એવો નથી કે ભક્તમાં ભગવાન કરતાં પણ વધુ મહાનતા આવી જાય પણ ઘણાં કિસ્સાઓમાં જોયું છે કે ભક્ત ખુદ ભગવાન બની બેસે છે અને ખરો ભગવાન તો ભક્તની પાછળ ઢંકાઈ જાય છે અને ગાડરિયા પ્રવાહ જેવાં ભક્તો બીજા એક ભક્તને ભગવાન માનવાની ભૂલ કરી બેસતાં હોય છે ત્યારે એ ભગવાન બની ગયેલા ભક્તનો ધર્મ છે કે લોકોની ભ્રમણાને દૂર કરે. પોતે ભગવાન બની ગયાનો લહાવો લીધા કરે તો ભક્તિમાર્ગથી બીજી શરતનો ભંગ થાય છે.

ત્રીજી શરત એવી છે કે ભક્તિ સ્વકેન્દ્રી ન બની જવી જોઈએ. ભક્ત પોતાનો વિચાર કર્યા કરે અને પરની જરાપણ ફિકર ન કરે તે સ્વકેન્દ્રી ભક્તિ ગણાય. સાચો ભક્ત એ છે કે જે સ્વને ભૂલીને સર્વનો વિચાર કરે છે. મને સ્વર્ગ મળી જાય, મને લેવા માટે વૈકુંઠથી વિમાન આવે, મારો જનમારો સુધરી જાય એવી સ્વાર્થની ચાહના ભક્તિ બની જાય તે ઉત્તમ ભક્તિ નથી. તમારી ભક્તિ જ્યારે સમાજલક્ષી બને, બીજાના જીવનમાં અજવાળા કરે તે ઉત્તમ પ્રકારની ભક્તિ છે. બીજાનાં જીવનમાં જયોત પ્રગટે તે સાચી આરતી છે અને અન્યનાં જીવનને સુગંધી બનાવી શકાય તે સાચો ધૂપ છે.

ભક્તિમાર્ગનું ચોથું અને અંતિમ સૂત્ર ખૂબ અગત્યનું છે. ચોથી શરત એવી છે કે પોતાના વિરોધીનો પણ ક્યારેય વિરોધ ન કરે તે સાચો ભક્ત છે. માણસ ભક્તિના માર્ગ પર ગતિ કરશે એટલે પરિવાર, જ્ઞાતિ અને સંસાર વિરોધ કરવા લાગશે. જ્યારે માનવીનાં હસ્તાક્ષર ઓટોગ્રાફ બની જાય એ સફળતાની નિશાની છે. તેમ વિરોધીઓ વધવા લાગે તે પણ પ્રગતિની નિશાની છે.

નરસિંહનો ખૂબ વિરોધ થયો હતો. મીરાંનો પણ ખૂબ વિરોધ થયો હતો, પરંતુ નરસિંહકે મીરાંના મનમાં પોતાના વિરોધીઓ માટે સહેજ પણ વિરોધ નહોતો એ ભક્તિમાર્ગની અંતિમ કસોટીમાંથી ઉત્તીર્ણ થયાનો પુરાવો છે. ઈસુને વિરોધીઓએ વધસ્તંભ સાથે લોખંડના ખીલાઓ મારીને જડી દીધા. સુકરાતને ઝેરનો પ્યાલો આપવામાં આવ્યો. મહાત્મા ગાંધીજીને ગોળીઓ મારવામાં આવી પણ આ તમામ મહાપુરુષો એવા હતા કે એમણે સપનામાં પણ પોતાના વિરોધીઓનું ખરાબ ઇચ્છયું નથી. 

ભગવાન ઈસુ તો એમ બોલ્યા કે એ લોકો શું કરી રહ્યા છે એનું એમને ભાન નથી, માટે તું એમને સદબુદ્ધિ આપજે, એમનું કલ્યાણ કરજે. આપણા હત્યારાનું પણ કલ્યાણ કરવાનો વિચાર આવે ત્યારે માનવું કે હવે ભજન પાકી ગયું છે અને હરિ વૈકુંઠ છોડીને આપણા હૃદયમાં રહેવા આવી ગયા છે અને ભક્તિમાર્ગની ચારે-ચાર શરતોનું બરાબર પાલન થયું છે અને આ ચાર શરતોનું પાલન થાય ત્યાં ભય પણ રહેતો નથી અને પ્રલોભન પણ રહેતું નથી. ત્યાં એક જ તત્વ રહે છે અને તે પ્રભુપ્રેમ છે. ત્યારબાદ કોઈ ફૂલ, ફળ, પત્ર, જળની જરૂર પડતી નથી, ભક્તિમાર્ગની ચાર શરતો ફળ, ફૂલ, પત્ર અને જળ બની જાય છે અને સાચા અર્થમાં ભક્તિ સિદ્ધ થાય છે. 

(સંકલન : જગદીશ ત્રિવેદી)

માનસદર્શન, મોરારિબાપુ

 
 

Mahesh M Shah” <maheshmshah@yahoo.com       27-9-2010

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: