Posted by: vmbhonde | सप्टेंबर 13, 2010

નવી પેઢી અને શ્રીકૃષ્ણ

ઈશ્વરને શું કહી શકાય? ભગવાન, ગોડ, પ્રભુ, હરિ, પરમેશ્વર… યા, ઇટ્સ ઓકે આ બધું. પરંતુ એમ કહીએ કે આપણે એક સહજેશ્વરની વાત અથવા ભક્તિ કરીએ તો? તરત તો નહીં સૂજે, પરંતુ એક આવા ઈશ્વર છે જે સહજ છે. એનું નામ શ્રીકૃષ્ણ વસુદેવ યાદવ. જન્મ-પાંચ હજારને અમુક વર્ષ પહેલાં, મેઘલી રાત્રે બાર વાગ્યે, મથુરાની જેલની એક કોટડીમાં. જન્મભૂમિ મથુરા, કર્મભૂમિ સમસ્ત બ્રહ્નાંડ! આ બાયોડેટા આગળ લંબાવીએ તો કેટલા ગ્રંથોની જરૂર પડે? કૃષ્ણ ગ્રંથમાં બાંધવાના નહીં, આપણી ગ્રંથિઓને છોડવાના ઈશ્વર છે. કૃષ્ણની આ જ તો મજા છે તેના વિશે લખવાનું પણ સહજ સ્ફુરે! સૂરદાસ હોય કે સુરેશ દલાલ, કૃષ્ણ વિશે કંઇ પણ લખાય તો તેની પરીણિતી કવિતા જ હોય!

આપણે ત્યાં જેમ લોકમેળા હોય, લોક સાહિત્ય હોય, લોકકથા હોય એવી જ રીતે આપણા લોકભગવાન જો કોઇ હોય તો તે કૃષ્ણ છે. જેને ભજીએ છીએ જેમના અવતરણ દિવસની ઉજવણી કરીએ છીએ તે કૃષ્ણ વિશેની ખાસ વાત તો એ છે કે આટલા યુગો પછી પણ આ ભગવાનનો ‘ટીઆરપી’ ઓછો થયો નથી. કૃષ્ણ એવા ગોડ છે જે નવી પેઢીને પણ ગમે છે. તેઓ યુવાનોના ભગવાન છે. શા માટે એવું?

કૃષ્ણ યુવાનોને ગમે છે કારણ કે તે સહજ છે. તે સરળ છે. તે સરસ છે. જગત અને જીવન જેવું છે તેને તેવું જ સમગ્રભાવે સ્વીકારી લીધું છે તેમણે. કૃષ્ણ એક એવા અવતારી પુરુષ છે જેમણે જીવનને હંમેશાં ઉત્સવની જેમ જોયું છે. સામાન્ય રીતે ઈશ્વર અને માનવની પોઝિશન સામસામે છે. મૂર્તિની સામે આપણે ઊભીએ, પરંતુ કૃષ્ણ અને માનવ તો સાથેસાથે છે. હરીન્દ્ર દવેનું પુસ્તક છે, ‘કૃષ્ણ અને માનવસંબંધો’. તેના પહેલા જ પ્રકરણમાં સરસ વાત આવે છે કે કૃષ્ણની પ્રીતિ પાર્થ સાથે છે. પાર્થ એટલે અર્જુન તો ખરો જ, પરંતુ પાર્થનો અન્ય અર્થ છે પૃથા અથૉત્ પૃથ્વીનો પુત્ર. એટલે કોઇ પણ મનુષ્ય.

માનવમાત્ર સાથે તેમને પ્રીત છે. યુવાનોને કૃષ્ણ ગમે છે કારણ કે વિષાદમાં સરી પડેલા, યુદ્ધના મેદાનમાં જઇને ફસકી પડેલા અર્જુનને તેઓ લડવા માટે પ્રેરે છે. ભગવદ્ગીતાનો જ્ઞાનયોગ માણસનું સ્વરૂપ ખોલે છે, ભક્તિયોગ સ્વભાવ ઊઘાડે છે અને કર્મળ્યોગ સ્વધર્મની શોધ કરે છે. મહાભિનષ્ક્રિમણ કરવું હોય કે એમબીએ, આ ત્રણની જરૂર તો રહે છે જ, અને તે કૃષ્ણ આપે છે.

યુવાનોને જો આ સમાજની સૌથી વધારે કોઇ કનડગત હોય તો તે સંબંધોની છે, રિલેશનશીપની છે. કૃષ્ણ સહજ પ્રેમી છે. તેમના માટે પ્રેમ જેન્ડર ઓરિએન્ટેડ ઓબ્જેકટ નથી. ખટરાગ અને મહાન કોમ્પ્રોમાઇઝથી છલકાતાં લગ્નોની પુષ્પમાળાના વાસી ફુલોની સુગંધ લઇને ફરતા અને મુક્ત સહજીવનના ઉદ્યાન પાસેથી નાકે રૂમાલ રાખીને પસાર થતા સમાજે ખાસ કૃષ્ણના એ પાસાને જોવું જોઇએ કે તેમણે નામ વગરના સંબંધોને લગ્નને સમાન કે તેથી વિશેષ ગરિમા ક્યારેક આપી હતી. રૂકમણી, સત્યભામા કૃષ્ણની પત્નીઓ ખરાં, પરંતુ જેની યાદ સાથે કૃષ્ણની યાદ આવે તે મીરાં અને જેને લીધે કૃષ્ણ યાદ રહે તે રાધા! વાત એવી નથી કે દરેકને નામ વગરના સંબંધો હોવા જ જોઇએ. વાત એ છે કે જરૂરી નથી કે દરેક સંબંધોને નામ હોવા જોઇએ. અને એ બાબત ગોપાલે વર્ષો પૂર્વે જીવી જાણી હતી તેથી તે નવી પેઢીને ગમે છે.

કૃષ્ણ ડાયનેમિક છે, ફાસ્ટ ડિસિસિવ છે, પ્રેક્ટિકલ છે, ઓલરાઉન્ડર છે. માખણ પણ ચોરે છે અને અસૂરાવતારોના વધ પણ કરે છે. નાગની ફેણ પર બેસે છે, સિંહાસન પણ શોભાવે છે અને યમુનાના કાંઠે ગોપીઓ ચુંદડી પાથરે તો તેના પર પણ બેસે છે. હાથમાં સુદર્શન પણ છે, વાંસળી પણ છે. તેમને ગોવર્ધન ટચલી આંગળીએ ઉંચકવાનું સહેલું લાગે છે, વાંસળી માટે બે હાથની જરૂર પડે છે! કૃષ્ણ ફ્રેન્ડશિપ નિભાવી જાણે છે. વર્ષો પછીય સુદામાને કેવા આવકારે છે! દુર્યોધનના મેવામાં તેને રસ નથી, વિદુરની ભાજી અને સુદામાના તાંદુલ ‘વેરી વેરી ટેસ્ટી ટેસ્ટી’ કરીને તેઓ ખાય છે. આપણે તો રાસને ફ્કત રાસ માનીએ છીએ.

વાસ્તવમાં કૃષ્ણનું ગોપીઓ સાથે નાચવું એ વિરાટ કોિસ્મક સિસ્ટમનું આધ્યાત્મિક પ્રતીક છે. વાતને ટૂંકમાં સમજાવવી અઘરી છે, પરંતુ તેમની રાસલીલા વિરાટ પ્રકૃતિ અને વિરાટ પુરુષના સંમિલનનું એ તત્વ છે. આજે અર્વાચીન રાસ રમતા યુવાનોને કૃષ્ણ ગમે જ, પણ તેમણે એ યાદ રાખવું જ પડે કે જે કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગોપીઓનાં વસ્ત્રો લઇ લે છે તે જ કૃષ્ણ જ્યારે પણ સમાજની કોઇ દ્રૌપદીનાં ચીર હરાતાં હોય ત્યારે તેની સહાય માટે પહોંચી જાય છે. કૃષ્ણ અને સ્ત્રીઓ એ સૌથી સરળ ટોપિક છે, જે યુગોથી જટિલ ગણાતા આવ્યા છે. તેમાં ના સમજી કરતાં ગેરસમજનું પ્રમાણ વધારે છે.

મહાન ચિંતકોએ પણ એ વાત કરી છે કે જગતનું મોટું ટેન્શન મનુષ્યને સ્ત્રી-પુરુષની જાતિમાં વિભાજિત કરવાથી જ થયું છે. માર્ક કરજો, કોઇ જૂની પેઢીનાં પતિ-પત્ની પણ જેટલી સરળતાથી વાત નહીં કરતા હોય, તેટલા કમ્ફટેંબલ થઇને એક લેપટોપબેગવાળો છોકરો અને જિન્સ-કુર્તી પહેરેલી છોકરી વાત કરતા હશે. આજની પેઢીને દંભ પસંદ નથી. મર્યાદા, મલાજાના નામે થતા આડંબર પસંદ નથી. જે છે તેમાં માને છે. તેમના માટે પર્સનલ લાઇફ, પ્રાઇવસીનું એક માહાત્મ્ય છે. યુવાનોને સંબંધોનું મેનેજમેન્ટ કે મેનેજમેન્ટ ક્ષેત્રના સંબંધો કાંઇ પણ શીખવું હોય તો તે ભગવદ્ગીતા શીખવી શકે છે.

અન્ય અવતારો, ભગવાનોની સરખામણીમાં કૃષ્ણ યુવાનોને પોતાના લાગ્યા છે કારણ કે એ હસ્યા છે, નાચ્યા છે. તેઓ એકચ્યુઆલિટીના દેવ છે. તે વ્યક્તિત્વ નથી, અસ્તિત્વ છે. તેથી પૂર્ણ છે. કેવા પૂર્ણ? જન્મ થતાં જ માતા-પિતાથી વિખૂટા, બાળપણ વીત્યું ન વીત્યું ત્યાં સખા-સખીઓથી છુટા પડ્યા, અને ક્યારેય ફરી તેમને ન મળી શક્યા. વિરાટ શાસકો, રાજપરિવારોમાં વિષ્ટી અને યુદ્ધ બંનેમાં રહેલા કૃષ્ણ પોતાના જ વંશમાં પડેલી તિરાડ ક્યાં સાંધી શક્યા? અર્જુનને તીર ચલાવવા માટે પ્રેરનારા ભગવાન સાવ એક પારધીના તીરથી વીંધાઇ ગયા! તોય પૂર્ણ પુરૂષોત્તમ! અરે, બહારથી તો એમ જ લાગે કે અન્યો પૂર્ણ છે. દરેક જણ પોતાનામાં કોઇ અપૂર્ણતા લઇને જીવે છે. ત્યારે જ તો પામી શકાય પૂર્ણતાને!

અને તેમની પૂર્ણતા કેવી? બધા વેદોમાં પ્રણવ હું, આકાશમાં શબ્દ હું, પૃથ્વીમાં તેજ હું… કૃષ્ણ અને રામમાં ભેદ શું? રામ ને બહુ બહુ તો ‘મારો રામ!’ કહી શકશો, રામડો કહેતાં જીભ નહીં વળે. કૃષ્ણને કાનુડો તરત કહેવાઇ જશે!

સંવાદ,જવલંત છાયા

Mahesh M Shah” <maheshmshah@yahoo.com      8-9-10

Advertisements

Responses

  1. ખુબજ સુંદર …..વિલાસભાઈ ….

    • thank you


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: