Posted by: vmbhonde | एप्रिल 19, 2010

પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ ઉપર આટલું ટેન્શન શાનું ?

પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ ઉપર આટલું ટેન્શન શાનું ? 

ભારતનું ભણતર અને તેમાંય પરીક્ષાની પદ્ધતિ એવી વિચિત્ર છે કે તેના કારણે અનેક હોશિયાર અને આશાસ્પદ વિદ્યાર્થીઓનાં સ્વપ્નો ખીલે તે પહેલાં જ રોળાઈ જતાં હોય છે ! દસમા – બારમાની પરીક્ષા ટાણે જ જોઈએ છીએ કે ઘણા વિદ્યાર્થીઓે ભણતરના ભારથી આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે તો કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરથી પરીક્ષા આપવાનું ટાળતા હોય છે. જો ઉપરથી વાલીનું દબાણ આવે કે તે પરીક્ષા કેમ આપતો નથી ? તો આવી મૂંઝવણભરી સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ ઘરેથી ભાગી જતા હોય છે. નવાવાડજ વિસ્તારનો મૌલિક ચૌધરી નામનો ૧૨ સાયન્સનો વિદ્યાર્થી પરીક્ષાના ડરથી ઘેરથી ભાગી ગયો હતો. તેને સૂઝતું નહોતંુ કે પરીક્ષાનો ડર તેને કેમ આટલો બધો સતાવી રહ્યો છે. આ વિદ્યાર્થીએ દસમા ધોરણમાં ૮૬ ટકા માર્ક્સ મેળવ્યા હતા તેમજ તેને બારમા ધોરણમાં ટયુશનની વ્યવસ્થા તેના વાલીએ કરી હતી છતાં તેની માનસિક સ્થિતિ આવી બની છે. મૂળ બાબત એ છે કે આપણી અનેક ખામીઓથી ભરેલી શિક્ષણપદ્ધતિને સુધારવાના પ્રયત્નો થતાં નથી અને પરીક્ષાટાણે જ વિદ્યાર્થીઓ પર ગોખવાનો બોજ વધી જાય છે ત્યારે વિદ્યાર્થી નાસીપાસ થઈ જતાં હોય છે. 

પરીક્ષા સમયે બોર્ડ દ્વારા હેલ્પલાઈન શરૃ કરવામાં આવતી હોય છે અથવા તો અમુક શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ  દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર દૂર કરવા મદદ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ આ પ્રકારની હેલ્પલાઈન દ્વારા માર્ગદર્શન મેળવીને રાહત મેળવતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે એટલા બધા ટેન્શનમાં આવી જતા હોય છે કે ના પૂછો વાત. તેમને એ સમયે ખબર જ પડતી નથી કે શું કરવું ? કેવી રીતે તૈયારી કરવી કે જેથી વાંચેલું યાદ રહે. આવી મનોસ્થિતિમાં રઘવાયા બનેલા વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીના વાલીઓ પણ ચિંતામાં મુકાઈ જાય છે. તેઓએ પુત્ર કે પુત્રીને આવી હાલતમાંથી બચાવવા મનોચિકિત્સક કે સારા કાઉન્સિલિંગ સેન્ટર પાસે જવું પડે છે. 

ઘણીવાર વિદ્યાર્થીઓ અંદર જ મૂંઝાતા હોય છે. વાલી કે શિક્ષકોને કશું કહી શકતા નથી. જ્યારે તેઓ બહુ પીડા અનુભવવા લાગે છે ત્યારે નાછૂટકે આત્મહત્યાનો માર્ગ લઈ લે છે. વિદ્યાર્થીઓએ એક વાત બરાબર સમજી લેવી જોઈએ કે આ એક ધોરણની પરીક્ષા છે, જીવન આખાની કોઈ પરીક્ષા નથી. આ ડરથી બહાર નીકળીને જેટલું તૈયાર કર્યું હોય તેટલું ધ્યાનમાં રાખી મનોબળ મજબૂત કરી પરીક્ષા આપી દેવી. તમે મહેનત કરી હશે એટલે ફળ તો જરૃર મળશે. આટલી હદે નિરાશ થવાની જરૃર નથી. 

બીજી મહત્ત્વની બાબત એ છે કે ઘર અને શાળામાં એક પ્રકારનું ભારેખમ વાતાવરણ બનાવવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ અગિયારમા ધોરણમાં આવે અને દિવાળી જાય એટલે તેને બારમા ધોરણનો ડર બતાવી તેનો અભ્યાસ શરૃ કરાવી દેવામાં આવે છે. તેના ઉપર એક પ્રકારે માનસિક દબાણ ઊભું કરાતા તે ભણતરના બોજ હેઠળ ઘસડાતો હોય છે. ઘર ઉપરાંત શાળામાં પણ શિક્ષકો  વિદ્યાર્થીઓ સમક્ષ એ જ વાતનું રટણ કરતાં હોય છે કે તારે બોર્ડની પરીક્ષા છે. પરીક્ષા અઘરી હોય છે. માટે તું મહેનત કર નહીં તો નાપાસ થઈશ. આ વાતનું સતત વિદ્યાર્થી સામે  પુનરાવર્તન થતું રહે છે અને તે પરીક્ષાના હાઉમાંથી નીકળી શકતો જ નથી. આથી વાલીઓ અને દરેક શાળાઓ અને શિક્ષકો મહેરબાની કરીને વિદ્યાર્થીઓને નાસીપાસ કરવાને બદલે તેમને પરીક્ષાનો ડર દૂર કરવા માટે પ્રયત્નો કરે. વિદ્યાર્થીઓને જરાય અહેસાસ ન થવો જોઈએ કે તે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. સહજતાથી તૈયારી કરે અને પરીક્ષા આપે તે જ મહત્ત્વની બાબત છે. 

પરીક્ષાના ડરમાં તો ઘણા વિદ્યાર્થીઓ ખાવા-પીવાનું, ઊંઘવાનું પણ ભૂલી જતા હોય છે. તેમને આ સમયમાં માત્રને માત્ર પરીક્ષા જ દેખાતી હોય છે. આ સમયે વાલીઓએ તેમને માનસિક હૂંફ આપી આ પ્રકારના વાતાવરણમાંથી બહાર લાવવાના હોય છે. તે નિર્ભયતાથી પરીક્ષા માટેની તૈયારી કરે તે માટે આનંદમાં રહે તે ખૂબ જ જરૃરી છે. પરીક્ષાના સમયે તેમને થોડા હરવા-ફરવા દો. તેના પર એવું સતત દબાણ ન કરો કે તું આખો દિવસ વાંચ્યા જ કર. 

બોજવાળું વાતાવરણ બનતાં વિદ્યાર્થીઓને વાંચેલું કશું યાદ રહેતું નથી. તેના પર અવળી અસર પડે છે. ટેન્શનથી વિદ્યાર્થીઓને શારીરિક-માનસિક તકલીફો શરૃ થઈ જતી હોય છે. વીસથી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ તો પરીક્ષા ટાણે બીમાર પડી જતા હોય છે. તાવ આવી જતો હોય છે. આવા વિદ્યાર્થીની પાછળ આખા પરિવારે રોકાઈ રહેવું પડતું હોય છે. આવું ક્યારે થાય છે જ્યારે વિદ્યાર્થી પર સતત પરીક્ષાનો બોજ વધે છે. માટે પરીક્ષા ટાણે  કોઈ પણ જાતનું ટેન્શન વિદ્યાર્થી માટે ઘરવાળાએ કે સ્કૂલ તેમજ ટયુશનના શિક્ષકોએ ઊભું ન કરવું. ક્યારેક વાલીઓની  વધુ પડતી અપેક્ષાઓને કારણે વિદ્યાર્થીઓ ટેન્શનમાં આવી જતા હોય છે. વાલીઓ તેમનાં બાળકોને એવું વારંવાર કહેતાં હોય છે કે તારી પાછળ આ વર્ષે ટયુશનનો ૫૦ હજારનો ખર્ચ કર્યો છે માટે તારે બારમામાં તો ૯૦ ટકા લાવવા જ રહ્યા. આ પ્રકારની દબાણભરી સ્થિતિ જ ઘણાખરા વિદ્યાર્થીઓને વધુ પરેશાન કરતી રહે છે. આવી ઘટનાઓને જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીઓ કરતાં પરીક્ષા સમયે વાલીઓ માટે કાઉન્સેલિંગ વધુ જરૃરી બનતું હોય છે. 

પરીક્ષાના સમયે દસમા-બારમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ બીમાર પડી જતાં હોય  તો પછી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની તો પરીક્ષા સમયે કેવી હાલત થતી હશે તે તો વિદ્યાર્થીઓને પૂછીએ અને સમજીએ ત્યારે જ ધ્યાનમાં આવે. પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ પર આટલો બોજ નાખવો તે આજના શિક્ષણની નિષ્ફળતા છે. કોઈ પણ પ્રકારે ભણતર અને પરીક્ષાનો બોજ હટવો જોઈએ. આપણા દેશમાં અને વિદેશમાં જે પ્રતિભાશાળી વ્યક્તિઓ થઈ ગઈ છે અને આજે હયાત છે તેવી વ્યક્તિઓ હકીકતમાં જોઈએ તો પરીક્ષામાં બહુ સારા માર્ક્સે પાસ થઈ જ નથી. તો પછી પરીક્ષાને આટલું બધું શા માટે મહત્ત્વ આપવામાં આવે છે ? 

મહાત્મા ગાંધીજીએ મેટ્રિકની પરીક્ષામાં ૪૬ ટકા જ મેળવ્યા હતા. તેથી તેઓ કાંઈ પાછળ રહી ગયા ? આલ્બર્ટ આઈન્સ્ટાઈન, ચાર્લ્સ ર્ડાિવન, થોમસ આલ્વા એડિશન જેવા વૈજ્ઞાનિકો ભણવામાં અને પરીક્ષામાં ક્યારેય બહુ આગળ નહોતા  છતાં પણ તેઓ પ્રતિભા અને લગનને કારણે જ સંશોધનો કરી શક્યા હતા. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ પર ખોટો હાઉં ઊભો કરનારા વાલીઓ આ બાબત સમજે અને તેમનાં બાળકોને સરળતાથી પરીક્ષા આપવા દે. તેમનું યોગ્ય દિશામાં ભાવિ ઘડવામાં મદદરૃપ બને તે જરૃરી છે. 

GAEKWADMV@iocl.co.in     23/3/09

Advertisements

प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

w

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: