ગાયત્રી પરિવાર
દેશભરમાં લાખો ગાયત્રી ઉપાસકો અને યજ્ઞ સંસ્કૃતિનું ઉત્થાન કરનાર વેદમૂર્તિ તપોનિષ્ઠ પં. શ્રીરામ શર્મા આચાર્ય તથા વંદનીયા માતાજીને કોણ ઓળખતું નથી. આચાર્યશ્રીએ પોતાના ૮૦ વર્ષના જીવન કાળમાં ખરેખર ૮૦૦ વર્ષ કરતા વધારે સમયનું કાર્ય કર્યુ હોય એવું લાગે છે.
૧૯૩૭ થી “અખંડ જયોતી” આ માસિકનું પ્રકાશન મથુરાથી થયુ ત્યારથી આજસુધીમાં એના માધ્યમથી ભારતીય ધર્મ અને સંસ્કૃતિના પ્રતિકોનું મર્મ સમજાવવુ, ગંગા, ગાયત્રી, ગીતા અને ગૌ નું મહત્વ લોકો સમક્ષ મુકવું, સ્વસ્તિક, તુલસી, મુર્તિ, મંદિર, તીર્થ, યજ્ઞ, પર્વ-તહેવાર વિગેરેનુ વિવેચન કરવું આવા અથાગ પ્રયત્નો એમણે કર્યા. ગાયત્રી તપોભૂમિ-મથુરા, સ્થાપવાનો આચાર્યશ્રીનો ઉદેષ્ય વિશ્વમાં આસ્તિકતા, અધ્યાત્મ દર્શન, ગાયત્રીનો પ્રચાર પ્રસાર, વ્યકિતને માનવ જીવનની ગરીમાનો બોધ કરાવવો તથા સમાજ ને વિકૃતિમુકત બનાવવાનો હતો. તેઓએ મહત્વપર્ણ નિધીરુપે ૪ વેદ, ૧૮ પુરાણ, ૧૦૮ ઉપનિષદ, યોગવાસિષ્ઠ, ૨૦ સ્મૃતિઓ, ૬ દર્શન તથા ૨૪ ગીતાઓ સહિત અનેક આર્ષ ગ્રંથોનો જન સુલભ અનુવાદ કર્યો. ૧૯૮૦ થી દેશમાં વિવિધ સ્થળે ગાયત્રી શકિત પીઠોની સ્થાપના કરવાનું બિડુ ઝડપ્યુ. ૧૯૮૬-૮૭ માં દેશભરમાં ૧૦૮ કુંડી ગાયત્રી મહાયજ્ઞો તથા રાષ્ટ્રિય એકતા સંમેલનોની શ્રુંખલા ચલાવવામાં આવી. ગાયત્રીતીર્થ શાંતિકુંજ – હરીદ્વારમા વિશાલ જગ્યા ઉપર નિર્મિત અધ્યાત્મિક સંસ્થાન આજે પણ સૌ ના માટે પ્રેરણાસ્ત્રોત છે.
આચાર્યશ્રીએ સ્થાપેલ મહત્વની ૬ સંસ્થાઓ છે – યુગતીર્થ આંબલખેડા (આગ્રા), અખંડ જયોતિ સંસ્થાન, અને ગાયત્રી તપોભૂમિ-મથુરા, શાંતિ કુંજ, બ્રમ્હવર્ચસ શોધ સંસ્થાન, અને દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલય – બધા હરિદ્વાર. એમના થકી ઘણા બધા ધાર્મિક, અધ્યાત્મિક સમાજોપયોગી કાર્યક્રમો ચાલી રહયા છે જેવા કે ગાયત્રી મંત્ર સાધનાનો પ્રચાર પ્રસાર, અખંડ જપ તથા યજ્ઞ સંસ્કૃતિનું જાગરણ, સામાજીક સમરસતા, ભાગ્યવાદને નકાર, સામાજીક કુરિવાજોનો ત્યાગ, નિરક્ષરતાનો વિરોધ,વ્યકિત-પરિવાર-સમાજ નિર્માણ, સ્વાર્થ નહિ પરમાર્થ, સ્વાસ્થ્ય સંરક્ષણ, ગો સંરક્ષણ અને ગો પાલન,વૃક્ષારોપણ.
યુગ નિર્માણ યોજનાના ૭ આંદોલનો છે.
૧.સાધનાઃ આમાં ઉપાસના, સાધના અને આરાધના એમ ત્રણ ક્રિયાઓ સામેલ છે, ઇષ્ટ દેવની ઉપાસના, આપણા જીવનની સાધના અને માનવોની આરાધના કરવાની હોય.શ્રેષ્ઠ માણસ બનો અને બીજાને શ્રેષ્ઠ બનાવો એજ ગાયત્રી પરિવાનું લક્ષ છે.
૨.શિક્ષણઃ નિરક્ષરતાનું કલંક દુર કરવુજ રહયું. ગાયત્રી પરિવાર ધંધો રોજગાર કરતા અભણ લોકોમાટે રાત્રીશાળા તેમજ બાળસંસ્કાર શાળાઓ પણ ચલાવે છે. ૩.સ્વાવલંબનઃ આપણો દેશ ગ્રામ અને ખેતી પ્રધાન છે. ગ્રામ તરફ પાછા વળો આ અભિયાન કરવાની જરુર છે. ગ્રામ કુટીરોદ્યોગો સ્થાનિક સાધનોપર આધારિત અને કૃષીના પૂરક-સહાય્યક હોવા જોઈએ. ગૌ પાલનને ગ્રામીણ સ્વાવલંબનની ધરી બનાવવામાં આવે. ગાયત્રી પરિવાર જરુરી તાલીમ વ્યવસ્થાપણ કરે છે. ગૌ આધારિત કૃષિ, ઉર્જા તથા ઉદ્યોગોજ ગામડાઓને સ્વાવલંબી બનાવશે. કુટિર ઉદ્યોગ ઉત્પાદિત માલની વેચાણ વ્યવસ્થા પણ થઈ રહી છે.
૪.પર્યાવરણઃ બને ત્યાંસુધી પ્રદુષણ કરવંુજ નહી. “ઉપયોગ કરો અને ફેકી દો” ની સંસ્કૃતિ બહિષ્કૃત કરવી જોઈયે. વૈકલ્પિક ઉર્જા, સૌર ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. બને ત્યા સુધી સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરવો. વૃક્ષારોપણ એ જીવન મંત્ર બને. જન્મ દિવસ, લગ્ન દિવસ, પુણ્યતિથી, રક્ષા બંધન તથા બીજા ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વોપર છોડ રોપવાના અને ઉછેરવાના સંકલ્પો લેવાય છે. કચરાનો સુવ્યવસ્થિત નિકાલ કરવામાં આવે છે.
૫.નારી જાગરણઃ નારીનું સ્વાસ્થ્ય, શિક્ષણ અને આર્થિક સ્વાવલંબન ખૂબજ મહત્વનું છે. ગાયત્રી પરિવાર આ માટેનું પ્રોત્સાહન, પ્રશિક્ષણ, માર્ગદર્શન અને જરુરી સાધનો ભેગા કરવા માટે મદદરુપ થાય છે.
૬.સ્વાસ્થ્યઃ સ્વસ્થ શરીર, સ્વચ્છ મન અને સભ્ય સમાજ આ મુળભૂત સિદ્ધાંત છે. એ માટે આહાર-વિહાર, રહેણી-કરણી, સફાઈ, વ્યાયામ, આયુર્વેદિક જડીબુટ્ટીઓથી ઉપચાર વિગેરે માટે લોકશિક્ષણ કરવામાં આવે છે. આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન અને એનો પ્રચાર પ્રસાર થઈ રહયો છે.
૭.કુરિવાજોની નાબુદી તથા વ્યસનમુકતીઃ તમાકુ, ગુટખા, દારુ, ચા, કોફી, ઠંડા પિણા વિગેરેથી શરીર સ્વાસ્થ્ય બગડે છે જે માટે લોક શિક્ષણ પ્રયાસ જારી છે. ગાયત્રી પરિવારના કાર્યક્રમોમાં લાખો લોકોએ સંકલ્પ પુર્વક વ્યસનોનો ત્યાગ કર્યો છે. ખોટી માન્યતાઓ, દહેજ, ઘરેણા, મોંઘા અને વધારે વસ્ત્રો, ખર્ચાળ લગ્નો, મોટા ભોજન સમરંભો, થાળીમાં એંઠું છોડવું, ભૂત પ્રેત તથા ભાગ્યવાદની માન્યતા, બાળ લગ્ન, કજોડા લગ્ન, અસ્પૃશ્યતા, પડદા પ્રથા, પશુ બલી, ભિક્ષા વૃત્તિ વિગેરેને દૂર કરવાનું આંદોલન ચાલુ છે.
લાખો સાધકોના વિશાલ ગાયત્રી પરિવારને આપણા લાખ લાખ વંદન.
(વિલાસ ભોંડે) દિ. ૫-૧૧-૦૯
प्रतिक्रिया व्यक्त करा